અદાણી કેસમાં હિંડનબર્ગનો અહેવાલ વિશ્વાસપાત્ર નથીઃ સુપ્રીમ કોર્ટ
- હિંડનબર્ગ અને અદાણી ગ્રૂપ કેસ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને સાચું નિવેદન ગણી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આ માટે SEBIને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે.
નવી દિલ્હી, 24 નવેમ્બર: અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી શુક્રવારે 24 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ દરમિયાન કોર્ટે અરજી પર સુનાવણી પૂર્ણ કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે હિંડનબર્ગ રિસર્ચ (Hinenburg Report)ના રિપોર્ટને લઈને કહ્યું કે તેને સાચુ નિવેદન માની શકાય નહીં. તેની સત્યતા ચકાસવા માટે કોઈ સાધન નથી. એટલા માટે અમે SEBIને આ મામલાની તપાસ કરવા કહ્યું છે.
હિંડનબર્ગનો રિપોર્ટ વિશ્વાસપાત્ર નથીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે હિંડનબર્ગના રિપોર્ટને સાચો ના માની લઈએ. SEBI આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે કોર્ટે કહ્યું કે SEBI અદાણી-હિંડનબર્ગ કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે વધુ સમય માંગી શકશે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે વકીલ પ્રશાંત ભૂષણને બેન્ચની સામે હિંડનબર્ગનો રિપોર્ટ વાંચતા અટકાવ્યા હતા.
અરજદારે SEBI પર પણ સવાલો ઉઠાવ્યા હતા
આ સાથે જ અરજદારના વકીલે કોર્ટમાં SEBIની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે તેની પાસે 2014 થી આ કેસની સંપૂર્ણ માહિતી છે. તેમણે દાવો કર્યો હતો કે ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટે વર્ષ 2014માં જ SEBI સાથે સંપૂર્ણ માહિતી શેર કરી હતી, પરંતુ તેઓએ કોઈ પગલાં લીધા ન હતા. આ દરમિયાન કોર્ટે પૂછ્યું કે SEBIની તપાસ પર શંકા કરવાના પુરાવા ક્યાં છે? આ અંગે વકીલો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.
કોર્ટની એક્સપર્ટ કમિટી પહેલા જ ક્લીનચીટ આપી ચૂકી છે
આ પહેલા હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ નિષ્ણાત સમિતિને તેની તપાસમાં જૂથ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના કોઈ પુરાવા મળ્યા નથી. તપાસ સમિતિ દ્વારા SEBIના ચાર અહેવાલો ટાંકવામાં આવ્યા હતા.
હિંડનબર્ગનો રિપોર્ટ ક્યારે આવ્યો ?
નોંધનીય છે કે 24 જાન્યુઆરીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓને લઈને એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જ્યારે અદાણી ગ્રુપે આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપના તમામ શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેમની મિલકતને પણ ભારે નુકસાન થયું હતું. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને હવે આ કેસની સુનાવણી ચાલી રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાન હવે તેના નિવૃત્ત સૈનિકોને ભારતમાં આતંકી તરીકે મોકલે છેઃ ભારતીય સૈન્યનો ખુલાસો