ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલ સરકારના કેબિનટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે આપ્યું રાજીનામું, CM સુક્ખુ પર લગાવ્યો આરોપ

શિમલા, 28 ફેબ્રુઆરી: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી બાદ સુક્ખુ સરકાર પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે. એક તરફ કોંગ્રેસના છ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે. તો બીજી તરફ, પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્યએ પણ સુક્ખુ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. વિક્રમાદિત્ય સિંહે કહ્યું, “અમે હંમેશા પાર્ટીને સમર્થન આપ્યું છે… હું આજે માત્ર એટલું જ કહેવા માંગુ છું કે વર્તમાન સમયે આ સરકારમાં રહેવું મારા માટે યોગ્ય નથી. મેં નિર્ણય કર્યો છે કે હું કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું.”

વિક્રમાદિત્ય સિંહે સીએમ સુક્ખુ પર આરોપો લગાવ્યા

વિક્રમાદિત્ય સિંહે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુ પર પોતાની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ઘણા ધારાસભ્યો મુખ્યમંત્રીના કામકાજથી નારાજ હતા અને હવે સ્થિતિ યોગ્ય નથી. તેમણે CMની કાર્યશૈલી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે મારે દુ:ખ સાથે કહેવું છે કે મંત્રી તરીકે મને અપમાનિત કરવાના પ્રયત્નો કરાયા છે. જે રીતે વિભાગમાં મેસેજ જતા હતા, તે અમને નબળા પાડવાની કોશિશ છે. સૌના સામૂહિક પ્રયાસોથી સરકાર બની હતી. હું કોઈ દબાણમાં આવવાનો નથી. તેમણે વધુમાં કહ્યું કે, ધારાસભ્યો સાથે ક્યાંકને ક્યાંક ઉપેક્ષા થઈ રહી છે. તેમના અવાજના દબાવવામાં આવે છે, જેના કારણે આજે અમે કિનારે આવીને ઊભા છે. આ તમામ મુદ્દા સરકાર સામે ઉઠાવવામાં આવ્યા, પરંતુ ત્યાંથી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.

પિતા વીરભદ્ર સિંહને યાદ કરતા વિક્રમાદિત્ય ભાવુક બન્યા

વિક્રમાદિત્ય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના પિતા વીરભદ્ર સિંહને યાદ કરતા ભાવુક થઈ ગયા. તેમણે પિતાની તુલના છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર સાથે કરી. જેમને દફનાવવા માટે બે યાર્ડ જમીન પણ નથી મળી હતી અને આજે તેમની કબર પાડોશી દેશ મ્યાનમારમાં છે. વિક્રમાદિત્યે કહ્યું કે, આખી ચૂંટણી વીરભદ્ર સિંહના નામે થઈ હતી. ભારે હૃદય સાથે મારે કહેવું છે કે હિમાચલમાં જે વ્યક્તિના કારણે કોંગ્રેસની સરકાર બની હતી તેની પ્રતિમા સ્થાપિત કરવા માટે શિમલાના મોલ રોડ પર 2 યાર્ડ જમીન આપવામાં આવી નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

આ ઉપરાંત, વિક્રમાદિત્યએ રાજ્યસભા ચૂંટણી દરમિયાન ક્રોસ વોટિંગને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોની અવગણના કરાઈ છે. આ મુદ્દાઓ હાઇકમાન્ડ સમક્ષ વારંવાર ઉઠાવવામાં આવ્યા હતા. અમે સરકાર બનાવવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. જો કે, આ બધા વચ્ચે સુક્ખુ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં આ અંગે પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને જાણ કરી છે. તેમણે કહ્યું કે કેટલીકવાર આકરા નિર્ણયો લેવા પડે છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા હું આ સરકારમાં રહી શકતો નથી. અમે અમારાથી બની શકે એટલી મહેનત કરી અને સરકારને ટેકો આપ્યો. દુઃખ સાથે મારે કહેવું છે કે મારું અપમાન થયું છે. મારા વિભાગની કામગીરીમાં દખલગીરી હતી. હું કોઈના દબાણમાં આવતો નથી. હંમેશની જેમ, આજે પણ આપણે જે સાચું છે તેનું સમર્થન કરીશું અને જે ખોટું છે તેનો વિરોધ કરીશું. સમગ્ર ઘટના અંગે હાઈકમાન્ડ સાથે વાત કરી છે.

આ પણ વાંચો: હિમાચલની સરકારમાં ભંગાણના એંધાણ, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો BJPના સંપર્કમાં હોવાનો દાવો

Back to top button