ભારતમાં 10 માંથી 8 સ્માર્ટફોન યુઝર્સ હાઇવે પર કોલ ડ્રોપ અને નેટવર્ક લોસથી પરેશાન: રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Call Drops India: જો તમે પણ હાઇવે પર અથવા મુસાફરી દરમિયાન વારંવાર કોલ ડ્રોપ કે નેટવર્ક ગુમાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે એકલા નથી. તાજેતરમાં બહાર આવેલા એક અહેવાલ અનુસાર, ભારતમાં લગભગ 10 માંથી 8 એટલે કે 79% સ્માર્ટફોન યુઝર્સ મુસાફરી કરતી વખતે આ ગંભીર સમસ્યાનો સામનો કરે છે. સાયબરમીડિયા રિસર્ચ (CMR) દ્વારા દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં 18 થી 35 વર્ષની વયના 2,000 સ્માર્ટફોન યુઝર્સ પર કરવામાં આવેલા સર્વેમાં આ વિગતો સામે આવી છે. નબળી કનેક્ટિવિટી માત્ર વાતચીતને જ નહીં, પરંતુ લોકોના બિઝનેસ અને માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહી છે.
વ્યવસાય, કમાણી અને માનસિક શાંતિ પર નકારાત્મક અસર
ખરાબ નેટવર્ક કનેક્ટિવિટીના કારણે કામકાજ કરતા પ્રોફેશનલ્સને આર્થિક અને વ્યાવસાયિક સ્તરે મોટું નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, બિઝનેસ માટે ફોનનો ઉપયોગ કરતા 64% લોકોએ કોલ ડ્રોપ થવાના કારણે મહત્વના સોદા અથવા વેચાણની તકો ગુમાવી દીધી છે. આ ઉપરાંત, 66% યુઝર્સનું માનવું છે કે નબળા નેટવર્કના લીધે તેમણે પોતાના કાયમી ગ્રાહકો પણ ગુમાવ્યા છે. જ્યારે 71% લોકો માને છે કે કોલ કટ થયા પછી ગ્રાહકને સામેથી ફરી ફોન કરવાથી તેમની વ્યાવસાયિક છબી પર ખરાબ અસર પડે છે. આ તમામ તણાવ વચ્ચે, 83% લોકોએ સ્વીકાર્યું છે કે અગત્યની વાતચીત દરમિયાન ફોન કટ થઈ જવાથી તેઓ ભારે ચિંતા અને લાચારી અનુભવે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નિષ્ણાતોનો મત અને ટેકનોલોજીનો ઉકેલ
CMRના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે ભારતે મોબાઇલ નેટવર્ક કવરેજનો વિસ્તાર કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ હાઇવે, મેટ્રો રૂટ્સ અને ઇન્ડોર લોકેશન્સ પર સતત કનેક્ટિવિટી જાળવવી હજુ પણ એક મોટો પડકાર છે. જોકે, આ રિપોર્ટમાં એક આશાસ્પદ ફેક્ટ પણ સામે આવી છે કે તમારા ફોનની ડિઝાઇન અને ટેકનોલોજી નેટવર્ક પકડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાઇવે પર વધુ મુસાફરી કરતા અને ટ્રિપલ-સિગ્નલ ચિપસેટ ધરાવતો ફોન વાપરતા 81% યુઝર્સે વધુ સારા નેટવર્ક અનુભવની પુષ્ટિ કરી છે. જ્યારે 72% લોકોએ નોંધ્યું છે કે તેમનો સ્માર્ટફોન નો-સિગ્નલ ઝોનમાંથી બહાર નીકળતાની સાથે જ ખૂબ જ ઝડપથી નેટવર્ક પુનઃપ્રાપ્ત કરી લે છે.
મોંઘા થવાના કારણે સ્માર્ટફોન માર્કેટમાં 2% નો ઘટાડો
CMRના અન્ય એક અહેવાલ મુજબ, વર્ષના પ્રથમ ક્વાર્ટર (Q1) માં ભારતીય સ્માર્ટફોન બજારની કામગીરી થોડી ધીમી રહી છે. સ્માર્ટફોનના એકંદર વેચાણમાં વાર્ષિક ધોરણે 2% નો ઘટાડો નોંધાયો છે. વેચાણમાં આ ઘટાડાનું મુખ્ય કારણ મોબાઇલમાં વપરાતા મેમરી કમ્પોનન્ટ્સ (ઘટકો)ની કિંમતમાં થયેલો મોટો વધારો છે. ઉત્પાદન ખર્ચ વધતા કંપનીઓએ હેન્ડસેટના ભાવ વધાર્યા છે, જેના કારણે બજેટ પ્રત્યે સભાન ગ્રાહકોએ હાલ પૂરતો નવો ફોન ખરીદવાનો નિર્ણય મુલતવી રાખ્યો છે.
આ પણ વાંચો: ટેક દુનિયામાં સાયબરડેકની ચર્ચા, Gen Z કેમ છે દીવાની?










