હાઇ ટેન્શન વીજ વાયર તૂટીને ટ્રેક્ટર પર પડ્યો, 17 વર્ષનો ભડભડ સળગ્યો
- રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં બની કરુણ ઘટના
- કરંટને કારણે સેકન્ડોમાં જ ટ્રેક્ટર પણ આગની લપેટમાં આવી ગયું
જયપુર, 01 જુલાઈ : રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના જહાઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે હાઇ ટેન્શન લાઇનનો વાયર તૂટીને એક ખેતરમાં ટ્રેક્ટર-ટ્રોલી પર પડ્યો, પરિણામે એક કિશોરનું મૃત્યુ નીપજ્યું હતું. કરંટને કારણે સેકન્ડોમાં જ ટ્રેક્ટર આગની લપેટમાં આવી ગયું હતું. જેના પગલે ટ્રેક્ટર-ટ્રોલીમાં રહેલા 17 વર્ષના કિશોરનું વીજ શોક લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો : જૂનમાં સામાન્ય કરતાં 11 ટકા ઓછો વરસાદ, IMDએ આંકડા કર્યા જાહેર
ખાતર ખાલી કરી રહ્યો હતો કિશોર
પોલીસ સ્ટેશન ઓફિસર નરપત રામે જણાવ્યું કે આ ઘટના બિલોટા ગામમાં બની હતી. અહીં રહેતા નંદલાલ ગુર્જર અને તેનો 17 વર્ષનો પુત્ર દેવરાજ ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાતર ભરીને ખેતરે ગયા હતા. જ્યાં ચાલક ટ્રેક્ટર-ટ્રોલી પાર્ક કરીને દૂર જઈને બેસી ગયો હતો, જ્યારે નંદલાલ ગુર્જર ત્યાં જ ઊભા હતા. દેવરાજ ટ્રેક્ટર-ટ્રોલીમાંથી ખાતર ખાલી કરી રહ્યો હતો ત્યારે હાઇ ટેન્શન લાઇનનો 11 KV વાયર તૂટીને ટ્રેક્ટર-ટ્રોલી પર પડ્યો હતો. વીજ શોક લાગવાથી દેવરાજનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલીમાં પણ આગ લાગી હતી.
પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી
માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની માહિતી મેળવી હતી. માહિતી મળતા પૂર્વ ધારાસભ્ય અને વિજળી વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપ્યો હતો. પોલીસે આ અંગે સંબંધિત કલમો હેઠળ કેસ પણ નોંધ્યો છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : મેધા પાટકરને કોર્ટે ફટકારી 5 મહિનાની જેલની સજા, 10 લાખનો દંડ