ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

મહેસાણાઃ એરપોર્ટ અને FCI ગોડાઉન શહેર બહાર લઈ જવા સાંસદના પ્રયાસ, નાગરિકોની સુવિધા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત

Text To Speech

મહેસાણા શહેરમાં એરપોર્ટ અને FCI ગોડાઉનને શહેરની બહાર લઇ જવા માટે સાંસદ શારદાબહેન પટેલે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. સંસદ સભ્યએ નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીને લેખીતમાં રજૂઆત કરી છે કે, શહેરની મધ્યમાં આવેલા એરપોર્ટથી સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારની નિયમાનુસાર પણ એરપોર્ટની આજુબાજુ માં બિલ્ડીંગ બનાવવા માટે સરકારની મંજૂરી આવશ્યક છે.

ફાઈલ તસવીર

સંસદ સભ્યએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહેસાણા ખાતે એરપોર્ટમાં વિધાર્થીઓ પ્લેન ઉડાડવાની તાલીમ મેળવી રહ્યા છે. દરરોજના અનેક પ્લેન રાધનપુર ચોકડીની મધ્યેથી પસાર થાય છે. આ વિમાનો પસાર થવાથી સ્થાનિક નાગરિકો મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જેના કારણે આ એરપોર્ટને શહેરની બહાર ખસેડવામાં આવે તો સ્થાનિક નાગરિકો સાથે તાલીમ મેળવી રહેલા વિધાર્થીઓ પણ કોઈ ડર કે મુશ્કેલી વગર પોતાની પ્રેક્ટિસ પૂર્ણ કરી શકે છે. તેમણે આ વિશાળ સ્થળ આવાસ સહિત અન્ય સરકારી વિકાસ કે હિત માટે ઉપયોગી બની શકે તેમ છે તેવી પણ રજૂઆત કરી હતી.

સંસદ સભ્ય શારદાબહેન પટેલે ભારત સરકારના મંત્રી પીયૂષ ગોયેલને મોઢેરા રોડ ઉપર આવેલ FCI ગોડાઉન શહેરની બહાર ખુલ્લી જગ્યામાં ખસેડવાની પણ રજૂઆત કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાનો બુલેટ ગતિથી થઈ રહેલા વિકાસના કારણે આ ગોડાઉન શહેરની મધ્યે આવી ગયું છે. આ સ્થળની આજુબાજુ અનેક પરીવારો વસવાટ કરે છે. ગોડાઉનને કારણે આ સ્થળ પર વારંવાર ટ્રકની લાંબી લાઈનો લાગે છે. જેનાથી અકસ્માત થવાની ચિંતા સેવાઇ રહી છે તેમ જણાવી આ ગોડાઉન અન્ય સ્થળે ખસેડવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સ્થળ અન્ય સ્થળે ખસેડવાથી એફ.સી.આઇ ગોડાઉનમાં આવતી ટ્રકોને પણ સરળતા રહેશે, કામગીરી ઝડપથી પૂર્ણ થશે અને મોઢેરા રોડ ઉપર થતા ટ્રાફિકમાં પણ લોકોને રાહત મળશે.

Back to top button