માંડલના અંધાપાકાંડમાં હાઈકોર્ટની સુઓમોટો, પ્રાથમિક રિપોર્ટ સોંપવા સરકારને આદેશ
અમદાવાદ, 17 જાન્યુઆરી 2024, જિલ્લાના માંડલમા ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોએ દ્રષ્ટિ ગુમાવતાં આ કેસમાં હવે હાઈકોર્ટે સુઓમોટો પીટીશન દાખલ કરી છે.હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SPને નોટિસ પાઠવી છે.7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. હાઇકોર્ટે પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા સરકારને આદેશ કર્યો છે. કોર્ટે અવલોકન કરતાં કહ્યું હતું કે, આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા કે ફેસિલિટીમાં ખામી હતી કે પછી મેડિકલ સાધનોની સાર સંભાળ નહોતી રખાઈ? આ કિસ્સામાં હજુ સુધી કોઈ પણ મેડિકલ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ નથી. પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં
માંડલમાં સ્થિત રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 10 જાન્યુઆરીએ મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ 17થી વધુ લોકોને આંખની રોશનીને અસર થઈ હતી. ત્યાર બાદ પાંચ દર્દીઓને 15મી જાન્યુઆરીએ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં.સિવિલ હોસ્પિટલના તબીબોના મત અનુસાર મોતિયાના આપરેશન બાદ આંખમાં જે આઇ ડ્રોપ્સ નાખવામાં આવે છે તેને કારણે દર્દીઓની આંખમાં ઇન્ફેક્શન ફેલાયું છે. જેને કારણે તેઓની રોશની પર અસર થઈ હોય તેવી આશંકા છે. 15 જાન્યુઆરીના રોજ સિવિલની આંખની હોસ્પિટલમાં સાંજે 5થી 8 વાગ્યાના સમયગાળામાં તમામ દર્દીઓને ભરતી કરવામાં આવ્યા હતા.
29 જેટલા મોતિયાના દર્દીની આંખના ઓપરેશન કરાયા હતાં
સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ત્રણ મહિલા અને બે પુરુષની ઉંમર 50 વર્ષથી વધુની હોવાનું જણાવવામાં આવ્યું હતું. દાખલ કરવામાં આવેલા તમામ દર્દીઓને દેખાતું ન હોવાની ફરિયાદ છે. તેથી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેમની ફરિયાદ મુજબ સારવાર આપવામાં આવી રહી છે. માંડલના રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં 29 જેટલા મોતિયાના દર્દીની આંખના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાંથી ઓપરેશન બાદ 17 જેટલા લોકોની આંખની દૃષ્ટિ ઓછી થતાં 5 લોકો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 12 લોકો રામાનંદ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કુલ 29 લોકોમાંથી 9 અમદાવાદ જિલ્લાના, 12 સુરેન્દ્રનગર જિલ્લાના અને 8 પાટણ જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો