કેજરીવાલને હાઈકોર્ટનો ઝટકો, નીચલી કોર્ટમાંથી મળેલા જામીન પર લગાવી રોક
- તપાસના મહત્ત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે: ED
નવી દિલ્હી, 21 જૂન: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને શરાબ નીતિ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નીચલી કોર્ટમાંથી ગુરુવારે મળેલા જામીન પર હાઈકોર્ટે આજે શુક્રવારે રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે કેસની સુનાવણી સુધી જામીન પર સ્ટે મુક્યો છે. અરવિંદ કેજરીવાલને જામીન પર છોડવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને EDએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. EDએ તેના SLPમાં કહ્યું હતું કે, તપાસના મહત્ત્વના તબક્કે કેજરીવાલને મુક્ત કરવાથી તપાસને અસર થશે કારણ કે કેજરીવાલ મુખ્યમંત્રી જેવા મહત્ત્વપૂર્ણ પદ પર છે.
મની લોન્ડરિંગ કેસમાં હાઇકોર્ટે શું કહ્યું?
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને ફગાવી દીધી, જેમાં કહેવામાં આવ્યું હતું કે “અરજી પર વહેલી સુનાવણીની જરૂર નથી.” આ દરમિયાન જસ્ટિસ સુધીર જૈને કહ્યું કે, “જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પેન્ડિંગ છે ત્યાં સુધી નીચલી કોર્ટનો આદેશ અસરકારક રહેશે નહીં.” હકીકતમાં, કેજરીવાલને એક દિવસ પહેલા જ ગુરુવારે જ નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેની સામે આજે શુક્રવારે EDએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિન્દર દુડેજાની વેકેશન બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે. ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, અમને નીચલી કોર્ટમાં કેસની દલીલ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી.
એડિશનલ સોલિસિટર જનરલે કોર્ટમાં શું કહ્યું?
એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ કહ્યું કે, અમને લેખિત જવાબ દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો નથી. આ બિલકુલ વાજબી નથી. EDએ PMLAની કલમ 45નો ઉલ્લેખ કર્યો છે. ASG રાજુએ વધુમાં કહ્યું કે, “અમારો કેસ ઘણો મજબૂત છે.” તેમણે સિંઘવીની હાજરી સામે વિરોધ દર્શાવ્યો હતો.
આના પહેલા EDના વકીલે આજે હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરી હતી. ED વતી ASG રાજુ અને વકીલ ઝોએબ હુસૈન હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા. કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં હાજર રહ્યા હતા.
AAPના રાજ્યસભા સાંસદના કેન્દ્ર સરકાર પર પ્રહારો
मोदी सरकार की गुंडागर्दी देखिए अभी ट्रायल कोर्ट का आदेश ही नही आया आदेश की कॉपी भी नही मिली तो मोदी की ED हाईकोर्ट में किस आदेश को चुनौती देने पहुँच गई?
क्या हो रहा है इस देश में?
न्यायव्यवस्था का मज़ाक़ क्यों बना रहे हो मोदी जी पूरा देश आपको देख रहा है?— Sanjay Singh AAP (@SanjayAzadSln) June 21, 2024
કેજરીવાલના જામીન પર હાઈકોર્ટે સ્ટે મૂક્યા બાદ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, મોદી સરકારની ગુંડાગીરી જુઓ. ટ્રાયલ કોર્ટનો આદેશ હજુ આવ્યો નથી. આદેશની નકલ પણ મળી નથી તો મોદીની ED કયા આદેશને પડકારવા હાઈકોર્ટમાં પહોંચી છે? આ દેશમાં શું થઈ રહ્યું છે? તમે ન્યાય પ્રણાલીની મજાક કેમ ઉડાવી રહ્યા છો, મોદીજી આખો દેશ તમને જોઈ રહ્યો છે?
આ પણ જુઓ: Breaking News : મની લોન્ડરિંગ કેસમાં CM કેજરીવાલને જામીન મળ્યા