દિલ્હીની સરકારી શાળાઓની સુવિધાઓ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે હાઈકોર્ટની ફટકાર
- દિલ્હી હાઇકોર્ટે ઉત્તર પૂર્વ દિલ્હીમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક દુર્દશા અંગે ચિંતા કરી વ્યક્ત
- વિદ્યાર્થીઓ દરરોજ માત્ર બે કલાકનું શિક્ષણ મેળવે છે અથવા વૈકલ્પિક દિવસોમાં વર્ગોમાં હાજરી આપે છે
નવી દિલ્હી, 28 ડિસેમ્બર : દિલ્હી હાઈકોર્ટે ઉત્તર પૂર્વ જિલ્લાની સરકારી શાળાઓમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક દુર્દશા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે, જ્યાં વિદ્યાર્થીઓ દરરોજ માત્ર બે કલાકનું શિક્ષણ મેળવે છે અથવા વૈકલ્પિક દિવસોમાં વર્ગોમાં હાજરી આપે છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે તેને “આશંકાજનક પરિસ્થિતિ” ગણાવીને અવલોકન કર્યું કે અપૂરતી સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે નાના બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહી રહ્યાં છે. હવે આ મામલાની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરી, 2024ના રોજ થશે.
કોર્ટે, 21 નવેમ્બરના રોજના તેના આદેશમાં, આ શૈક્ષણિક કટોકટીને સંબોધવાની તાકીદ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, “આવી સ્થિતિ સહન કરી શકાતી નથી અને તેમાં પણ ખાસ કરીને જ્યારે સમાજના ભાવિનું પ્રતિનિધિત્વ કરતા બાળકો શિક્ષણથી વંચિત રહે.”
દિલ્હી સરકારના એફિડેવિટ સામે કોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો
આ બાબતે દિલ્હી સરકારના એફિડેવિટ સામે અસંતોષ વ્યક્ત કરતાં, બેન્ચે સરકારને ઉત્તર-પૂર્વ-I જિલ્લાની શાળાઓમાં વર્ગ દ્વારા ભાગ પાડવામાં આવેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમને અન્ય શાળાઓમાં સમાયોજિત(ટ્રાન્સફર) કરવાની યોજનાની રૂપરેખા દર્શાવતું વિગતવાર સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.
“દિલ્હી સરકારનું એફિડેવિટ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવે છે કે ઉત્તર-પૂર્વ-I જિલ્લાની દરેક શાળામાંથી અન્ય શાળાઓમાં એડજસ્ટ કરવામાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સ્પષ્ટપણે દર્શાવાશે, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સમાયોજિત કરવામાં આવશે તેવી શાળાઓની સ્પષ્ટ વિગતો આપવામાં આવશે.” કોર્ટે સરકારને ત્રણ અઠવાડિયામાં આ મુદ્દાને ઉકેલવાની માંગ કરી છે.
હાઇકોર્ટે સરકારને વિગતવાર માહિતી આપવાનો નિર્દેશ કર્યો
કોર્ટે સરકારને સ્થળાંતરીત વિદ્યાર્થીઓ માટે શિક્ષકોની ઉપલબ્ધતા અંગેની માહિતી, પ્રાપ્ત શાળાઓમાં વર્ગખંડો અને શિક્ષકોની સંખ્યાની વિગતો આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ઉત્તર પૂર્વ-1 જિલ્લામાં ઉચ્ચ વિદ્યાર્થીઓની નોંધણી અને અપૂરતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચેની અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરી, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે છે.
ઉત્તર પૂર્વમાં સરકારી શાળાઓની શું પરિસ્થિતિ છે ?
સરકારના સ્ટેટસ રિપોર્ટ મુજબ, શ્રી રામ કોલોની, ખજૂરી ચોકમાં શાળાનું નવું બિલ્ડિંગ 31 જાન્યુઆરી, 2024 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. રિપોર્ટમાં નજીકના રહેણાંક સરનામા ધરાવતા વિદ્યાર્થીઓને નવા બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા બાદ શિફ્ટ કરવાની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજદાર એવા નાગરિક અધિકાર ગ્રુપ અને એનજીઓ સોશિયલ જ્યુરિસ્ટ કહે છે કે, નોર્થ-ઇસ્ટ-1 ડિસ્ટ્રિક્ટની 25 ઇમારતોમાં આવેલી 48 શાળાઓમાં 1,45,909 વિદ્યાર્થીઓને સમાવવામાં આવે છે.
અરજીમાં દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તાર ખાતે આવેલી સર્વોદય કન્યા વિદ્યાલય અને સર્વોદય બાલ વિદ્યાલય જેવી વિશિષ્ટ શાળાઓને પ્રકાશિત કરવામાં આવી હતી, જે માત્ર બે કલાકનું શિક્ષણ પૂરું પાડે છે, અને અન્ય, જેમ કે સરકારી ગર્લ્સ સિનિયર સેકન્ડરી સ્કૂલ અને ખજૂરી ખાસ-સભાપુર ખાતેની સરકારી બોયઝ સિનિયર સેકન્ડરી સ્કૂલ વિદ્યાર્થીઓને વૈકલ્પિક દિવસોમાં બોલાવે છે.
આ પણ જુઓ :ICICI BANKના પૂર્વ MD ચંદા કોચર પર ટામેટા પેસ્ટ કંપની સાથે છેતરપિંડીનો આરોપ