ટ્રેન્ડિંગનેશનલ

ગર્ભવતી મહિલાઓને સરકારી નોકરીથી વંચિત ન રાખી શકાય: હાઈકોર્ટ

નૈનિતાલ (ઉત્તરાખંડ), 25 ફેબ્રુઆરી: ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને રોજગારથી વંચિત રાખી શકાય નહીં. ઉત્તરાખંડ હાઈકોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ઉત્તરાખંડ હાઈકોર્ટે તે નિયમને રદ કર્યો જે ગર્ભવતી મહિલાઓને સરકારી નોકરીઓ માટે યોગ્ય ગણવાથી અટકાવતો હતો.હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે “માતા બનવું એ એક મહાન આશીર્વાદ છે” અને તેના કારણે મહિલાઓને રોજગારી આપવી નકારી શકાય નહીં. કોર્ટનો આ નિર્ણય મીશા ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં આવ્યો છે, જેમાં તેને ગર્ભાવસ્થાના કારણે નૈનિતાલની બીડી પાંડે હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસરની પોસ્ટ પર કામ કરવા માટે ના પાડવામાં આવી હતી.

જાણો સમગ્ર મામલો શું છે?

એક રિપોર્ટ મુજબ, મેડિકલ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના મહાનિર્દેશક દ્વારા જોઇનિંગ લેટર જારી કરવામાં આવ્યો હોવા છતાં, હોસ્પિટલ પ્રશાસને ફિટનેસ સર્ટિફિકેટને ટાંકીને તેમને નોકરી પર જોડાવાની ના પાડી દીધી હતી. મેનેજમેન્ટે તેને ભારત સરકારના ગેઝેટિયર નિયમ હેઠળ જોડાવા માટે અસ્થાયી રૂપે અયોગ્ય ગણાવી હતી. જો કે મહિલાને ગર્ભવતી હોવા સિવાય અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ન હતી. જસ્ટિસ પંકજ પુરોહિતની બેન્ચે શુક્રવારે હોસ્પિટલ પ્રશાસનને નિર્દેશ આપ્યો કે પિટિશનર નર્સિંગ ઓફિસર મીશા, જે 13 અઠવાડિયાની ગર્ભવતી છે, તે વહેલી તકે તેની નોકરીમાં જોડાય તે સુનિશ્ચિત કરે. આ ઉપરાંત, કોર્ટે આ નિયમ અંગે ભારતના ગેઝેટમાં નોંધાયેલા નિયમો પર પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જેમાં 12 અઠવાડિયાથી વધુ પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓને ‘ટેમ્પરરીલી અયોગ્ય’ તરીકે ઓળખવામાં આવી છે.

પ્રસૂતિ રજા એ મૂળભૂત અધિકાર છે: હાઈકોર્ટ

હાઈકોર્ટે સરકારી નિયમ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની કાર્યવાહીને બંધારણીય અનુચ્છેદનું ઉલ્લંઘન ગણાવી તેને મહિલાઓ વિરુદ્ધ અત્યંત સંકુચિત મનનો નિયમ ગણાવ્યો હતો. હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં વધુમાં કહ્યું કે, ‘મેટરનીટી લીવને બંધારણના મૂળભૂત અધિકાર તરીકે માન્યતા અપાઈ છે. સગર્ભાવસ્થાના આધારે કોઈ વ્યક્તિને રોજગારથી અટકાવવું એ એક વિરોધાભાસ છે. જસ્ટિસ પંકજ પુરોહિતે કહ્યું, ‘ધારો કે કોઈ મહિલા નોકરીમાં જોડાય છે અને જોઇન કર્યા પછી તરત જ ગર્ભવતી થઈ જાય છે, તેમ છતાં તેને પ્રસૂતિ રજા મળે છે, તો પછી ગર્ભવતી મહિલા નવી નિમણૂક પર તેની ફરજમાં કેમ જોડાઈ શકતી નથી?

આ પણ વાંચો: જળવાયુ પરિવર્તનથી ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સૌથી વધુ ખતરો: UN રિપોર્ટ

Back to top button