રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટની ટકોર, પશુમાલિકો ઢોર પોલીસીના અમલમાં વિક્ષેપ ઉભો ના કરે
અમદાવાદ, 19 ડિસેમ્બર 2023, આજે ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટને કહ્યું હતું કે, માલધારીઓના દેખાવાથી ઢોરવાડાના ગેટ પરથી પશુઓને અંદર કે બહાર લઈ શકતા નથી. ત્યાર બાદ કોર્ટે માલધારીઓને ઢોર પોલિસીના અમલમાં વિપેક્ષ ઊભો નહીં કરવા ટકોર કરી હતી. આ અંગે વધુ સુનાવણી આગામી 22 ડિસેમ્બરે યોજાશે.
ઢોરવાડામાં પશુઓની નિયમિત તપાસ થાય છે
હાઈકોર્ટમા સુનાવણી દરમિયાન અરજદાર વતી વકીલ અમિત પંચાલે જણાવ્યું હતું કે, આજે માત્ર રખડતા ઢોર અંગે સુનાવણી થઈ છે પણ હજી ટ્રાફિકના મુદ્દા બાકી છે. AMCના જ વાહનો અકસ્માતો સર્જે છે. શહેરમાં 10 મોટા અકસ્માત ઝોન છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં કહ્યું હતું કે,નડિયાદના કેસને લઈને તપાસ ચાલી રહી છે. ઢોરવાડામાં પશુઓની નિયમિત તપાસ થાય છે. પ્રાણીઓ જો મૃત્યુ પામે તો તેને અગ્નિદાહ આપીને નિકાલ કરાય છે. પકડાયેલા પશુઓમાંથી 7ના મોત થયા છે.
લાયસન્સ લેવાની અરજી ડેડલાઈન પત્યા બાદ સ્વીકારો
કોર્ટમાં માલધારી સમાજવતી દલીલ કરવામાં આવી છે કે, રાજ્યના ઢોરવાડાઓમાં મોટાપાયે પશુઓ મરી રહ્યા છે, અમદાવાદ ગ્યાસપુરના પશુઓના મૃતદેહોના ફોટા પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. તેમને ઢોરવાડાઓમાં ઢોરને દોહવા જવા દેવાય છે. ગર્ભ ધારણ કરેલા પશુઓ અને વાછરડાની જાળવણી કરવામાં આવે છે. પશુ રાખવા માટે લાયસન્સ લેવાની અરજી ડેડલાઈન પત્યા બાદ પણ સ્વીકારવામાં આવે. અમે મુખ્યમંત્રી અને મેયર સહિતનાઓને આ મુદ્દે રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી