સંજીવ ભટ્ટની અપીલ હાઈકોર્ટે ફગાવી, આજીવન કેદની સજા યથાવત્
- જામજોધપુરના કસ્ટોડિયલ ડેથ કેસમાં પુર્વ આઇપીએસ સંજીવ ભટ્ટની અપીલ ફગાવતી હાઇકોર્ટ
- આજીવન કેદની સજા યથાવત રાખવાનો હુકમ
જામનગર, 10 જાન્યુઆરી, 2024 : જામજોધપુરમાં સને ૧૯૯૦ના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસમાં ખંભાળીયા સેશન્સ કોર્ટ પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને ફટકારેલી જન્મટીપની સજાને પડકારતી સંજીવ ભટ્ટની અરજીને ફગાવીને દઇ ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે નીચલી કોર્ટના હુકમને સ્પષ્ટ બહાલી આપી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજા યથાર્થ ગણાવી હતી અને નીચલી કોર્ટના સજાના આ હુકમમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.
આ કેસની વિગત મુજબ વર્ષ ૧૯૯૦માં જામનગરના જામજોધપુરમાં અડવાણીની એકતા યાત્રા વખતે ભારત બંધનું એલાન અપાયું ત્યારે કોમી તોફાનો ના થાય તેની દહેશતમાં જામનગર જિલ્લાના તત્કાલીન એએસપી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ૧૩૩ વ્યક્તિઓની ટાડા હેઠળ ધરપકડ કરી કેટલાકને બેરહેમીથી માર માર્યો હતો. જેમાં પ્રભુદાસ માધવભાઇ વૈષ્ણાની નામના એક વેપારીનું કસ્ટોડિયલ ટોર્ચર અને મારના કારણે ગત તા. ૧૮/૧૧/૧૯૯૦ ના રોજ મોત નિપજ્યું હતું. જે અંગે તેના ભાઇએ સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ સાથે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ખંભાળીયા સેશન્સ કોર્ટે ર૯ વર્ષ મહત્વના ચૂકાદો આપી પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને જન્મટીપની સજા ફટકારી હતી, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેશુભા દોલુભા જાડેજા અને પીએસઆઇ શૈલેષ પંડ્યા અને દિપકકુમાર ભગવાનદાસ શાહને બે-બે વર્ષની સજા કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ અપીલ કરી સજાના હુકમને પડકાર્યો હતો. જો કે હાઇકોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો અને તેમની અપીલો ફગાવી દઇ નીચલી કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફટકારેલી સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.
આ પણ વાંચો ઃ વાઈબ્રન્ટ ગુજરાતમાં મુકેશ અંબાણીએ આપ્યા પાંચ કમિટમેન્ટ, જાણો ગૌતમ અદાણીએ શું કહ્યું