અમદાવાદ, 13 માર્ચ 2024, વર્ષ 2023ના જુલાઈ મહિનામાં અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. તથ્ય હાલ સાબરમતી જેલમાં બંધ છે. તથ્યએ છાતીમાં તકલીફ અને હૃદયના અનિયમિત ધબકારાને લઈ સારવાર લેવા જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતાં અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી હતી. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂકી છે.
હૃદયસંબંધી તકલીફ હોવા અંગે જામીન અરજી કરી હતી
તથ્ય પટેલે ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં છાતીમાં તકલીફ અને હાર્ટ બીટની અનિયમિતતાને લઈને ટ્રાયલ કોર્ટમાં સારવાર માટે 4 અઠવાડિયાંની હંગામી જામીન અરજી કરી હતી, જેને ટ્રાયલ કોર્ટે નકારી નાખી હતી. ત્યાર બાદ તથ્યએ ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. અરજદારના વકીલે જણાવ્યું હતું કે તથ્ય 20 વર્ષનો છે, તેને છાતીમાં હૃદયસંબંધી તકલીફ છે. તેના હાર્ટબીટમાં વારંવાર ઉતારચઢાવ આવી રહ્યો છે. આ સંદર્ભે તેના વકીલે મેડિકલ પેપર પણ કોર્ટ સમક્ષ મૂક્યા હતા.વકીલે જણાવ્યું હતું કે દોઢ વર્ષથી તેને આ તકલીફ છે. પરંતુ છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં તકલીફ હોવા છતાં તેને ફક્ત પેરાસીટામોલની ગોળી આપવામાં આવી હતી.આથી તથ્યને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે હંગામી જામીન આપવામાં આવે.
અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી
સરકારી વકીલે જણાવ્યું હતું કે તથ્યનો ઇસીજી કરવામાં આવ્યો હતો, જે નોર્મલ આવ્યો છે. તેને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી છે. તથ્યએ અકસ્માતના બનાવ અગાઉ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સંદર્ભે સારવાર લીધી હતી, જેમાં તેને ફક્ત પોણો કલાક દાખલ કરીને દવાઓ આપીને રજા આપી દેવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટના આદેશ મુજબ તથ્યની UN મહેતા હોસ્પિટલમાં તપાસ પણ કરાવવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં દરેકના હૃદયના ધબકારા અનિયમિત હોય છે, જે નોર્મલ બાબત છે. તથ્યએ સારવાર માટે અને મેડિકલ પેપર મેળવવા માટે જેલ ઓથોરિટીને રજૂઆત કરવાની રહેશે. હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી છે.
આ પણ વાંચોઃકરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના, સ્ટાફના 50 લોકો સસ્પેન્ડ