લોરેન્સ બિશ્નોઈના જેલવાળા ઈન્ટરવ્યુ પર ભડકી હાઈકોર્ટ, કહ્યું: પોલીસ અને આરોપીની મિલીભગત
- આરોપીને મીડિયામાં કેવી રીતે બોલવાની છૂટ આપવામાં આવી, શું પોલીસ અને ગુનેગારો વચ્ચે કોઈ સાંઠગાંઠ છે: કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યા
ચંદીગઢ, 30 ઓકટોબર: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે લોરેન્સ બિશ્નોઈ ઈન્ટરવ્યુ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરવામાં આવેલા કેન્સલેશન રિપોર્ટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ઘણા દિવસો પછી, હાઇકોર્ટની ડિવિઝન બેંચે નિર્દેશ આપ્યો કે, આ કેસની તપાસ માટે નવી SITની રચના કરવામાં આવે. ગુનાહિત કાવતરું, ઉશ્કેરણી, બનાવટ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને માહિતી પ્રૌદ્યોગિકી કાયદા હેઠળ કેસની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જસ્ટિસ અનુપિન્દર સિંહ ગ્રેવાલ અને જસ્ટિસ લુપિતા બેનરજીની ડિવિઝન બેંચે ભારપૂર્વક કહ્યું હતું કે, CrPCની કલમ 173 હેઠળ દાખલ કરાયેલા રિપોર્ટને જોતાં એવું લાગે છે કે આ કેસમાં પોલીસ અધિકારીઓ અને ગુનેગાર વચ્ચે સાંઠગાંઠ છે.
હાઇકોર્ટની ખંડપીઠે શું કહ્યું?
ખંડપીઠે તેને ગુનો ગણાવતા કહ્યું કે, પોલીસ અધિકારીઓએ આરોપીને જેલમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ઈન્ટરવ્યુ માટે જેલમાં સ્ટુડિયો જેવી સુવિધા આપી. આ ગુનાની પ્રશંસા કરે છે. તેના સાગરિતો દ્વારા જબરદસ્તી વસૂલી સહિતના અન્ય ગુનાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કરવામાં આવ્યું હતું. બેન્ચે કહ્યું કે, “પોલીસ અધિકારીઓની સંડોવણી ગુનેગાર અથવા તેના સહયોગીઓ પાસેથી ગેરકાયદેસર લાંચ લેવાનો સંકેત આપે છે. આ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો બને છે. તેથી આ મામલે વધુ તપાસની જરૂર છે.”