Biparjoyને લઈને પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ
બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતભરમાં તરખાટ મચાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ તેની અસર વર્તાઈ છે. જેને લઈને પાકિસ્તાનમાં પણ ત્યાંની સરકાર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈએલર્ટ
ચક્રવાતી તોફાન બિપરજોયને લઈને ભારત તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારો હાઈ એલર્ટ પર છે. સિંધ પ્રાંતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પાકિસ્તાનના પર્યાવરણ મંત્રી શેરી રહેમાનના જણાવ્યા અનુસાર બિપરજોયની સ્પીડ ઘટી છે.
પાકિસ્તાન સરકારે 72 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા
પાકિસ્તાનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રૂપ અનુસાર- પવનની ગતિ 140 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દરિયામાં ખૂબ ઊંચાં
મોજાં ઊછળી શકે છે. ચક્રવાત સાથે સંકળાયેલાં તમામ જોખમોને ધ્યાનમાં રાખીને, સરકારે 72 હજાર લોકોને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે મોકલ્યા છે. હોસ્પિટલોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. શાળાઓ અને સરકારી કચેરીઓને રાહત કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે.
શું કહ્યું પાકિસ્તાના વર્તમાનપત્ર ‘ડૉન’એ?
પાકિસ્તાના વર્તમાનપત્ર ‘ડૉન’ અનુસાર, સિંધ પ્રાંત બિપરજોયથી સૌથી વધુ પ્રભાવિત છે. તેના 3 જિલ્લા થટ્ટા, સુજાવલ, બદીનમાં 44 રાહત શિબિરોની સ્થાપના કરવામાં આવી છે. આ ત્રણ જિલ્લાઓની 82% વસ્તીને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી છે. સેનાને આગામી 72 કલાક માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
પાકિસ્તાનના સ્થાનિક તંત્ર દ્વારા લોકોને તેમના સંબંધીઓના ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી વહીવટીતંત્ર તરફથી ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી લોકોને પાછા ન ફરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમેરિકાના કેપિટલ હિલ્સમાં યોજાયું પ્રથમ અમેરિકન-હિન્દુ શિખર સંમેલન