જમ્મુ-કાશ્મીરમાં મોડી રાતે અથડામણ, હિઝબુલનો એક આતંકી ઠાર, 3 જવાન ઘાયલ
નેશનલ ડેસ્કઃ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો છે. આ અથડામણમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા છે. કાશ્મીર ઝોનની પોલીસે શનિવારે આ જાણકારી આપી છે.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, ‘પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આતંકવાદી કમાન્ડર એચએમ નિસાર ખાંડે માર્યો ગયો હતો. ઘટનાસ્થળેથી એક AK 47 રાઇફલ સહિતની ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઓપરેશન હજુ ચાલુ છે.’
#AnantnagEncounterUpdate: #Terrorist Commander of proscribed #terror outfit HM Nisar Khanday killed. #Incriminating materials, #arms & ammunition including 01 AK 47 rifle recovered. #Operation in progress: IGP Kashmir https://t.co/IcYO8dGHn9
— Kashmir Zone Police (@KashmirPolice) June 3, 2022
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, ‘શુક્રવારે સાંજે અનંતનાગના ઋષિપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેના શરૂઆતી ગોળીબારમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર છે.’
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓએ બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવ્યા હતા. અગલાર જૈનપુરામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આમાં બે મજૂરો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધ શરૂ કરી છે. એવું કહેવાય છે કે, આ હુમલો રાજ્ય બહારના લોકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બિન-કાશ્મીરીઓ પર આ ત્રીજો હુમલો છે. આ પહેલાં ગુરુવારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં એક ગ્રામીણ બેંક મેનેજરની હત્યા કરી હતી. આ પછી મોડી રાત્રે બડગામ જિલ્લામાં બે બિન-કાશ્મીરીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં બિહારના દિલખુશનું મોત થયું હતું. જ્યારે પંજાબના ગુરદાસપુરનો રહેવાસી ગોરિયા ઘાયલ થયો હતો.