હિઝબુલ્લાએ ઇઝરાયલ પર મિસાઇલોથી હુમલો કર્યો, એક નાગરિકનું મૃત્યુ, 5 સૈનિકો ઘાયલ
- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હિઝબુલ્લાએ ફરી એકવાર કર્યો હસ્તક્ષેપ
- હિઝબુલ્લાહ દ્વારા ટેન્ક-વિરોધી માર્ગદર્શિત મિસાઇલ હુમલામાં એક ઇઝરાયેલી નાગરિકનું મૃત્યુ
- ઇઝરાયેલે દક્ષિણ-પૂર્વ લેબનોન તરફ ગોળીબાર કરી જવાબી કાર્યવાહી કરી
જેરુસલેમ,15મે:ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હિઝબુલ્લાએ ફરી એકવાર હસ્તક્ષેપ કર્યો છે. અહેવાલો અનુસાર, લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં એક ઇઝરાયેલી નાગરિકનું મૃત્યુ થયું હતું અને પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. ઇઝરાયેલી સૈન્ય (IDF)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મંગળવારે લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલના એડમિટ પ્રદેશ તરફ અનેક એન્ટી-ટેન્ક મિસાઇલો છોડવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 5 IDF સૈનિકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલે હિઝબુલ્લાહની જગ્યાઓ પર પણ હુમલો કર્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં એક ઈઝરાયલી નાગરિકનું મોત થયું છે. આઈડીએફના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ દક્ષિણ લેબેનોનના આયતા એશ શબ અને કાફરકેલા વિસ્તારોમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો. લેબનોન-ઈઝરાયેલ બોર્ડર પર 8 ઓક્ટોબર, 2023થી તણાવ વધી ગયો છે, જ્યારે હમાસ સાથે એકતા દર્શાવતા હિઝબુલ્લાએ ઈઝરાયેલ તરફ રોકેટ છોડ્યા હતા. આ પછી, ઇઝરાયેલે પણ દક્ષિણ-પૂર્વ લેબનોન તરફ ભારે તોપખાનાથી ગોળીબાર કરીને જવાબી કાર્યવાહી કરી.
ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચે રાજદ્વારી સંબંધો પર કટોકટી
પાડોશી દેશ ઇજિપ્ત ગાઝા પટ્ટીમાં લશ્કરી કાર્યવાહીના જવાબમાં ઇઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો ઘટાડી શકે છે . વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ઇજિપ્તના સરકારી અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ઇજિપ્ત ઇઝરાયેલમાં તેના રાજદૂતને પરત બોલાવી શકે છે. જો કે, હાલમાં આ સંબંધને સંપૂર્ણપણે સમાપ્ત કરવાની કોઈ યોજના નથી. ઈજિપ્તની સરકારને આશંકા છે કે જો ગાઝાના દક્ષિણી વિસ્તાર રફાહમાં ઈઝરાયલની આક્રમકતા વધશે તો મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓ સરહદ પાર કરીને ઈજિપ્તમાં પ્રવેશ કરી શકે છે.