રાજકોટમાંથી ઇતિહાસનું સૌથી વધુ રૂ.18.14 લાખનું હેરોઇન ઝડપાયું

રાજકોટ, 15 જાન્યુઆરી : રાજકોટ શહેરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત રૂ.18.14 લાખની કિંમતનો માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. શહેર એસઓજીએ કુવાડવા રોડ ડી માર્ટ સામેના રોડ પરથી મોચીબજાર કૃષ્ણપરાના મટનના ધંધાર્થી અને રાજસ્થાની શખ્સને રૂા.૧૮,૧૪,૭૫૦ના ૩૯૨.૯૫ ગ્રામ માદક પદાર્થ હેરોઇન સાથે પકડી લીધા છે.
મટનના ધંધાર્થીએ સાઇડમાં મોટી આવક ઉભી કરવા માદક પદાર્થ વેંચવાનું ચાલુ કર્યુ હતું. અગાઉ પણ સો ગ્રામ જેવો પદાર્થ મંગાવી વેંચી નાખ્યાની પ્રાથમિક વિગતો ખુલી છે. રાજસ્થાન પ્રતાપગઢના સુત્રધાર મારફત રાજસ્થાની શખ્સ રાજકોટ સુધી આ પદાર્થ લઇને આવ્યો હતો. તેણે મટનના ધંધાર્થીને આ પદાર્થ આપતાં જ બાતમી પરથી વોચમાં રહેલી એસઓજીની ટીમે બંનેને પકડી લીધા હતાં.
મળતી માહિતી મુજબ, એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ માદક પદાર્થનું દૂષણ નાબુદ કરવા અને યુવાધનને નશાના રવાડે ચડાવતાં અટકાવવા સે નો ટુ ડ્રગ્સ મીશન હેઠળ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કુવાડવા રોડ ડી માર્ટ સામેના રોડ પર મેલડી માની મોજ ઓટો ગેરેજ પાસે બે શખ્સ માદક દ્રવ્યની લેતીદેતી કરવાના છે. આ માહિતી પરથી વોચ રાખતાં બે શખ્સ શંકાસ્પદ જણાતાં સકંજામાં લઇ તલાસી લેતાં માદક પદાર્થ મળી આવ્યો હતો.
FSL અધિકારી કે. એમ. તાવીયાને બોલાવી ચકાસણી કરાવતાં આ પદાર્થ હેરોઇન હોવાનું ખુલ્યું હતુ. પોલીસે રૂા. ૧૮,૧૪,૭૫૦નું ૩૯૨.૯૫ ગ્રામ હેરોઇન કબ્જે કર્યુ હતું. ઝડપાયેલા બંને શખ્સોની પુછતાછ થતાં પોતાના નામ ફૈઝલ યુસુફભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૫-રહે. કૃષ્ણનગર-૧/૨, મોચી બજાર પાસે પરા બજાર મેઇન રોડ) તથા રાજમલ રકમાભાઇ મીણા (ઉ.વ.૨૩-રહે. બોરી ગામ, પંચાયત કેશરપુરા, તા. શીવાંગપુરા જી. પ્રતાપગઢ રાજસ્થાન) જણાવ્યા હતાં.
આરોપી ફૈઝલ મોચી બજાર ખાટકીવાસમાં મટનનો ધંધો કરે છે. તેણે સાઇડમાં આવક ઉભી કરવા માદક પદાર્થ વેંચવાનું શરૂ કર્યુ હતું. અગાઉ પણ તેણે સોએક ગ્રામ આવો પદાર્થ રાજસ્થાન તરફથી મંગાવી વેંચી નાંખ્યો હતો. આ વખતે સુત્રધાર વતી રાજમલ મીણા આ પદાર્થ આપવા રાજકોટ આવ્યો હતો. ઝડપાયેલા ફૈઝલે એવુ પણ રટણ કર્યુ હતું કે પોતે અડધા અડધા તોલાની પડીકીઓ બનાવી રૂા. ૧૫૦૦ લેખે બંધાણીઓને વેંચતો હતો. બંનેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થશે.
આ પણ વાંચો :- ઝકરબર્ગના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો : સરકારના કડક વલણ બાદ Metaએ માફી માંગી