આ રહ્યો કપાતા ટેક્સને બચાવવાનો ઉત્તમ વિકલ્પ…..
નાણાકીય વર્ષ પુરૂ થવામાં છે. ત્યારે રોકાણકારો ટેક્સ બચાવવા માટે રોકાણની તકો શોધે છે. તો વળી કેટલાક લોકો સંપત્તિ સર્જન માટે, નિયમિત વળતર મેળવવા અથવા તો અન્ય હેતુથી રોકાણ કરવા માટે ઉત્તમ વિકલ્પની શોધમાં હોય છે. જો તમે પણ આવા લોકોમાંથી જ એક છો તો જાણો ELSS મ્યુચ્યુઅલ ફંડ વિશે કે જે તમને ટેક્સ બચાવવા અને સંપત્તિ સર્જનમાં ઉપયોગી બની શકે છે.
આમ તો ટેક્સ બચાવવા માટે બજારમાં અસંખ્ય પ્રકારની રોકાણ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં LIC, ફિક્સ્ડ ડિપોઝીટ, પીપીએફ સહિતના વિકલ્પો તમને ટેક્સ બચાવવામાં મદદ કરે છે. પરંતુ ELSS મ્યુચ્યુઅલ ફંડ ટેક્સ બચાવવામાં મદદ કરવાની સાથે તમને રોકાણ પર ઉત્તમ વળતર પણ પ્રદાન કરે છે. ત્યારે આવો સૌથી પહેલા જાણીએ શું છે ELSS મ્યુચ્યુઅલ ફંડ
ELSS ફંડ્સ એ ઇક્વિટી ફંડ્સ છે, જે તેમના ભંડોળનો મોટો હિસ્સો ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે. ELSS ફંડ્સને કર બચત યોજના પણ કહેવામાં આવે છે. કારણ કે તે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ દાવો કરવા માટે રૂ. 150,000 સુધીના રોકાણ પર રાહત આપે છે.
ELSS ફંડ એ ત્રણ વર્ષની ફરજિયાત લોક-ઇન અવધિ સાથે ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ છે. તાજેતરના વર્ષોમાં, ઘણા કરદાતાઓ કર લાભો મેળવવા માટે ELSS યોજનાઓ તરફ વળ્યા છે. જો તમે ELSS સ્કીમ્સમાં રોકાણ કરો છો, તો તમે રોકાણ કરેલી રકમ પર રૂ. 1.50 લાખની હદ સુધી કર કપાત મેળવી શકો છો.
યાદ રાખો, ત્રણ વર્ષના સમયગાળાના અંતે, તમને આ સ્કીમમાંથી જે નફો મળશે તે લોંગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) તરીકે ગણવામાં આવશે અને તેના પર 10 ટકા ટેક્સ લાગશે (જો આવક રૂ. 1 લાખથી વધુ હોય).