આ રહ્યાં પાકિસ્તાનની હાર માટેનાં મુખ્ય કારણો
ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપ 2022 ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું. ઈંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ એકસાથે જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે. બેન સ્ટોક્સ અને સેમ કરને આ શાનદાર જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. સ્ટોક્સે અણનમ 52 રન બનાવ્યા તો સેમ કરને માત્ર 12 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. સેમ કરનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ જીત માટે ઈંગ્લેન્ડે શાનદાર રમત રજુ કરી તો પાકિસ્તાને ઘણી ભૂલો કરી, જેના કારણે તેને મેચ હારવાનો માર સહન કરવો પડ્યો. આવો જોઈએ પાકિસ્તાનની હાર માટેનાં મુખ્ય કારણો.
આ પણ વાંચો : પાકિસ્તાનને હરાવી ‘ઈંગ્લેન્ડ’ બન્યું વર્લ્ડ ચેમ્પિયન
શાહીન આફ્રિદીની ઈજા
પાકિસ્તાનની હારનું મુખ્ય કારણ તેના મુખ્ય અને વિકેટ ટેકિંગ બોલર શાહીન આફ્રિદીની ઈજા હતી. 13મી ઓવરના ત્રીજા બોલ પર શાહીન આફ્રિદીએ કેચ પકડ્યો હતો. પરંતુ કેચ લેતી વખતે શાહીન આફ્રિદી તેના પગને ઈજા પહોંચાડીને બેઠો છે. ઈજા બાદ આફ્રિદી બોલિંગ કરવા માટે પાછો આવ્યો હતો, પરંતુ બોલિંગ કરી શક્યો ન હતો અને તેની બાકી રહેલી ઓવરનો માત્ર 1 બોલ નાખ્યાં બાદ તે મેદાનની બહાર નીકળી ગયો હતો. ઈંગ્લેન્ડે આ મોકાનો ફાયદો ઊઠાવી મેચને પલટી દીધી હતી. ઈંગ્લેન્ડે બાકીનાં બોલરો પર દબાણ ઊભું કરી ઝડપથી રન બનાવા લાગી હતી અને મેચની 19મી ઓવરમાં જ જીત હાંસિલ કરી દીધી હતી. તેથી શાહીન આફ્રિદીની ઈજાએ પાકિસ્તાન માટેની હારનું મુખ્ય કારણ કહી શકાય, કારણ કે જો શાહીન આફ્રિદીને ઈજા ન થઈ હોત તો કદાચ પાકિસ્તાન આ ફાઈનલ મેચ જીતી શક્યું હોત.
નિષ્ફળ ઓપનિંગ જોડી
આખી ટુર્નામેન્ટની જેમ ફાઈનલ મેચમાં પણ પાકિસ્તાનની ઓપનર જોડી મોટી ભાગીદારી બનાવવામાં નિષ્ફળ રહી હતી. સ્ટાર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન માત્ર 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે જ સમયે, બાબર આઝમ પણ 28 બોલમાં માત્ર 32 રન જ બનાવી શક્યો હતો. કેપ્ટનના ખરાબ ફોર્મેને કારણે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું હતું.
ખરાબ પાવર પ્લે
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી પાકિસ્તાની ટીમે પાવરપ્લેનો યોગ્ય ઉપયોગ કર્યો ન હતો. પાંચમી ઓવરમાં રિઝવાનની વિકેટ પડવાથી ટીમ પર દબાણ વધી ગયું હતું. પાકિસ્તાને પાવરપ્લેની 6 ઓવરમાં માત્ર 39 રન બનાવ્યા હતા. તે સમયે ક્રિઝ પર રહેલા બાબર આઝમે 16 બોલમાં 16 રન અને મોહમ્મદ હરિસે 7 બોલમાં ચાર રન બનાવ્યા હતા.
ઓછો ટાર્ગેટ
પાકિસ્તાને તેની ઇનિંગ્સમાં વારંવાર અંતરાલ પર વિકેટ ગુમાવી હતી, જેના કારણે તેની બેટિંગમાં તેજી જોવા મળી ન હતી. તેણે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 137 રન બનાવ્યા હતા. જે ઈંગ્લેન્ડ માટે મજબૂત લક્ષ્ય નહોતું. ટીમ તરફથી શાન મસૂદે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. આ રીતે ફાઈનલ જેવી મોટી મેચમાં પાકિસ્તાન સારા લક્ષ્યાંકથી 30 રન દૂર રહ્યું હતું.
સ્ટોક્સની આક્રમક ઈનિંગ
બેન સ્ટોક્સે ફરી એક વખત પોતાની ટીમ માટે ખિતાબમાં મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 49 બોલમાં અણનમ 52 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. સ્ટોક્સે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરી હતી. તે પોતાની વિકેટ બચાવીને રમ્યો અને સમયાંતરે બાઉન્ડ્રી પણ ફટકારતો હતો. પાકિસ્તાની બોલરો તેની વિકેટ લઈ શક્યા ન હતા અને બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને જીત અપાવી હતી.
સેમ કરનની બોલિંગ
સેમ કરન ઈંગ્લેન્ડ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો હતો. ટાઇટલ મેચમાં તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. સેમે સૌથી પહેલા રિઝવાનને બોલ્ડ લઈને ટીમને પ્રારંભિક સફળતા અપાવી હતી. આ પછી તેણે શાન મસૂદની મહત્વની વિકેટ લીધી હતી. છેલ્લે, કરણે મોહમ્મદ નવાઝને માત્ર પાંચ રનમાં જ આઉટ કરી લીધો હતો. સેમ કરનને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.