ડ્રગ્સ અંગે ફરિયાદ કરવા હેલ્પલાઈન શરૂ થશે: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત

- રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ, ટપોરીઓ પર પગલાં લેવાથી વિપક્ષ દુ:ખી થાય છે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગાંધીનગર, 19 માર્ચ : ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચાનો વિધાનસભામાં જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં એક શાંત અને પ્રગતિશીલ રાજ્ય તરીકેનું બહુમાન મેળવતું રહ્યું છે. ગુજરાત અને ગુજરાતની પ્રજાએ સમગ્ર વિશ્વમાં વિકાસના પાયા પર રચાયેલી આર્થિક સદ્ધરતા અને શાંત-સુખી જનજીવનનો આદર્શ ઉદાહરણ પૂરૂ પાડયું છે, તેનો સૌથી મોટો શ્રેય ગુજરાતમાં રહેલા કાયદો અને વ્યવસ્થાની સુગમ, સુરક્ષીત અને શાંતિપૂર્ણ પરિસ્થિતિ છે.
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, ગુજરાતના ગલી-રસ્તાઓને અસામાજિક તત્વો બાનમાં લે ત્યારે લુખ્ખા તત્વોને પોલીસનો ડર નથી તેવા આક્ષેપો કરવા લાગતા વિપક્ષના સભ્યો, જ્યારે ગુજરાત પોલીસ દ્વારા આવા તત્વોને પકડીને વરઘોડા નિકાળવામાં આવે કે આવા તત્વોએ સરકારની રિઝર્વ જગ્યાઓ પર ઉભા કરી દીધેલા મકાન-ચાલીઓ પર બુલડોઝર ફેરવવામાં આવે ત્યારે વિપક્ષનો સુર બદલાઇ જાય છે. જે લોકો રાત્રે લુખ્ખા તત્વો લાગતા હતા તે જ લોકો વિપક્ષને સવારે ગરીબ દેખાય છે.
રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તેની પર દાદાનું બુલડોઝર તો ફરશે જ, આવા ટપોરીઓ પર લેવાયેલા કડક પગલાંથી ખુશ થવાને બદલે વિપક્ષ દુ:ખી થાય છે. ઘટનાનાં કલાકોમાં જ અસામાજિક તત્વોને પકડીને તેની શાન ઠેકાણે લાવવામાં આવી છે. શહેરના રસ્તાઓને બાનમાં લેનારા આવા તત્વોને જે ભાષામાં સમજ પડતી હતી, તે ભાષામાં ગુજરાત પોલીસે કાયદાની મર્યાદામાં સમજાવ્યા છે. અને હજુ પણ આવા તત્વો સામે ગુજરાત પોલીસ આ જ પ્રકારે કડક પગલા લેશે.
સમગ્ર દેશમાં સૌથી વધારે ડ્રગ્સ પકડનાર રાજ્ય ગુજરાત છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ડ્રગ્સ સામે રીતસરની જંગ છેડી છે ત્યારે મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આગામી ટુંક સમયમાં એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના કોઇ પણ ખૂણેથી કોઇ પણ નાગરિક ડ્રગ્સની નાનામાં નાની માહિતી ગુપ્ત રીતે આપી શક્શે.
આ તમામ માહિતી અંગે થયેલી કાર્યવાહિનું મોનિટરીંગ છેક મુખ્યમંત્રીની કક્ષાએથી થશે. ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી બન્યા ત્યારથી ત્રણ વર્ષના સમયગાળામાં ૧,૮૧૨ ગુનાઓમાં રૂ.૮,૫૪૭/-કરોડના મુદ્દામાલ સાથે ૨,૫૬૪ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આ ૨,૫૬૪ આરોપીઓ પૈકી ૧૦૫ વિદેશી છે.
ગત નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે બજેટમાં ગૃહ વિભાગની જોગવાઈઓમાં રૂ.૨,૨૮૧/- કરોડનો વધારો (૨૨ ટકા) કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના બજેટમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો કરવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરતા મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યુ કે, આ વખતના બજેટમાં સાયબર સિક્યોરિટી અને ટેકનોલોજી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.
આ બજેટ મુખ્ય પાંચ સ્તંભો SHIELD (S-Strengthening the Backbone, H-High-Tech Policing, I-Integrated Command & Control, E-Emergency Response 112 અને LD-Lawful Cyber Defence-Centre of Excellence for Cybersecurity) આધારીત છે. આ પાંચ સ્તંભો ગુજરાતની શાંતી, સલામતી અને સુરક્ષાની પરીસ્થિતિને વેગ આપશે.
મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યુ કે, અમે પોલીસને મજબુત બનાવવા તેની ક્ષમતા વધારવા ભાર મુકીએ છીએ. પોલીસ ફોર્સની માત્ર સંખ્યા ન વધે, પરંતુ તેની Size સાથે Skill (કદ સાથે કુશળતા) વધારી પોલીસકર્મીઓની Capacity Building પર ભાર મૂકવામાં આવે તેવું આયોજન અમારી સરકારે કર્યુ છે. એટલુ જ નહિ, વિકસીત ગુજરાત-૨૦૪૭ મિશન અંતર્ગત ગુજરાત પોલીસ તાલીમ અકાદમી, કરાઈ, ગાંધીનગર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અતિ આધુનિક ઓલમ્પિક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવનાર છે.
આ પણ વાંચો :- રાજ્યમાં આરોગ્ય સંસ્થાઓમાં સ્ટાફની ભરતી અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન