‘હેલો! હું CJI ચંદ્રચુડ બોલું છું…’ ચીફ જસ્ટિસના નામે છેતરપિંડીનો પ્રયાસ; SCએ કરી કાર્યવાહી
- પોસ્ટ વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટે પોતે કાર્યવાહી કરતા કેસ નોંધ્યો
નવી દિલ્હી, 28 ઓગસ્ટ: આજના દિવસોમાં સાયબર ફ્રોડના સમાચારો સામાન્ય બની રહ્યા છે, પરંતુ દિલ્હીમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. રાજધાનીમાં દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડના નામે મેસેજ અને કોલ દ્વારા છેતરપિંડીનો મામલો બહાર આવ્યા બાદ હવે CJIના નામે એક ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં કેબ બુક કરાવવા માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ અનુસાર, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ હોવાનો દાવો કરનારી વ્યક્તિ દ્વારા 500 રૂપિયાની માંગણી કરવામાં આવી છે.
CJIના નામે 500 રૂપિયાની છેતરપિંડીનો પ્રયાસ
મેસેજ અને કોલ મોકલીને લોકોને છેતરવાના મામલા બાદ હવે ‘CJIનો એક ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેબ બુક કરાવવા માટે પૈસા માંગવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ અનુસાર સાયબર ગુનેગારે કહી રહ્યો છે કે, હેલો! હું CJI છું અને કોલેજિયમની અગત્યની મીટિંગ છે અને હું કનોટ પ્લેસમાં અટવાઈ ગયો છું, શું તમે કેબ માટે 500 રૂપિયા મોકલી શકો છો. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, હું કોર્ટમાં પહોંચીને પૈસા પરત કરી આપીશ. સુપ્રીમ કોર્ટે હવે વાયરલ પોસ્ટની નોંધ લીધી છે અને ચીફ જસ્ટિસના નિર્દેશ પર સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટે કરી કાર્યવાહી
વાયરલ પોસ્ટ બહાર આવતાની સાથે જ સુપ્રીમ કોર્ટે પોતે સંજ્ઞાન લીધું અને ચીફ જસ્ટિસના નિર્દેશ પર સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરી. તાજેતરમાં, સાયબર છેતરપિંડીના ઘણા કિસ્સાઓ બહાર આવ્યા છે, જેમાં ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ ડિજિટલ પદ્ધતિઓનો ભોગ બનીને લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે.
સાયબર ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે
તાજેતરમાં RBIએ એક ‘ડિજિટલ પેમેન્ટ્સ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ સ્થાપિત કરવાની દરખાસ્ત કરી છે જેમાં પેમેન્ટ ફ્રોડના જોખમોને ઘટાડવા માટે અદ્યતન તકનીકો હશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 30 મેના રોજ બહાર પાડવામાં આવેલા વાર્ષિક અહેવાલ મુજબ, બેંકો દ્વારા નોંધાયેલી નાણાકીય છેતરપિંડીની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે, જે નાણાકીય વર્ષ 2023-24માં વાર્ષિક ધોરણે 166 ટકા વધીને 36,075 કેસ પર પહોંચી ગયા છે.
આ પણ જૂઓ: ઈમરજન્સી/ કંગનાને કાયદાકીય નોટિસ, શીખ સમુદાયને ઠેસ પહોંચાડવાનો આરોપ