ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કેદારનાથમાં હેલિકોપ્ટરે ગુમાવ્યો કાબુ! ખીણમાં કરવું પડ્યું લેન્ડિંગ, જૂઓ વીડિયો

  • રૂદ્રપ્રયાગમાં પાયલટની બુદ્ધિમત્તાના કારણે મોટી દુર્ઘટના ટળી

દેહરાદૂન/રુદ્રપ્રયાગ: બાબા કેદારનાથના ધામમાં એક ખાનગી કંપનીના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે હેલિપેડથી થોડાક જ મીટર દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈને ઇજાઓ થઈ નથી અને હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં 6 શ્રદ્ધાળુઓ સહિત કુલ 7 લોકો સવાર હતા. ક્રિસ્ટલ એવિએશન કંપનીના આ હેલિકોપ્ટરે ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી અને ટેકનિકલ ખામી હોવા છતાં પાયલટની બુદ્ધિમત્તાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

 

આ ઘટના આજે શુક્રવારે સવારે 7 વાગ્યે બની

આ અંગે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને ભક્તોને ભગવાન કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે. રુદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે સવારે 7 વાગ્યે બની હતી જ્યારે ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરે ગુપ્તકાશી અને સોનપ્રયાગ વચ્ચેના શેરસી હેલિપેડ પરથી ઉડાન ભરી હતી. પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ દરમિયાન ટેક્નિકલ ખામીની જાણકારી મળતા જ પાયલટે કેદારનાથ હેલિપેડથી થોડા અંતરે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

 

ટેકનિકલ ખામીની તપાસ કરવામાં આવી રહી છે: પ્રશાસન 

આ ઘટના અંગે માહિતી આપતા રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે જણાવ્યું હતું કે, પાયલટની સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ટેકનિકલ ખામીની જાણકારી મળ્યા બાદ પણ પાયલટે ધીરજ ગુમાવી ન હતી અને ઈમરજન્સીમાં હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે, તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે અને દરેકને બાબા કેદારનાથના દર્શન કરાવવામાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીની તપાસ કરવામાં આવી રહી છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ દિવસોમાં ચારધામ યાત્રા અંતર્ગત તીર્થસ્થળો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

આ પણ જુઓ: ચારધામ યાત્રાએ જતા યાત્રાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર

Back to top button