રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં યુક્રેનના ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કીનું પણ મોત થયું છે. એએફપી અહેવાલ મુજબ યુક્રેનના આંતરિક ગૃહ મંત્રીના નાયબ અને અન્ય એક અધિકારીનું પણ અકસ્માતમાં મોત થયું છે.
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ ચાઈલ્ડ કેર સેન્ટર પાસે થયો હતો. નેશનલ પોલીસના વડા ઇગોર ક્લેમેન્કોએ જણાવ્યું હતું કે, “અત્યારે 2 બાળકો સહિત કુલ 18 લોકો માર્યા ગયાના સમાચાર છે.” મૃતકોમાં ગૃહ મંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કી સહિત ગૃહ મંત્રાલયના અનેક ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું. બે બાળકોમાંથી 42 વર્ષીય ડેનિસ મોનાસ્ટીરસ્કીને 2021માં યુક્રેનના આંતરિક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટર ક્રેશ રાજધાની કિવથી 20 કિલોમીટર દૂર બ્રોવરી વિસ્તારમાં થયો હતો. દુર્ઘટના બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી.