રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારે પવનથી મીડિયા બોક્સના કાચ તૂટ્યા, બે કરોડના નુકસાનનો અંદાજ
રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં આજે કમોસમી વરસાદ થયો છે. ત્યારે રાજકોટમાં પણ ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં ભારે પવન ફૂંકાવાને કારણે ખંઢેરી સ્ટેડિયમમાં ભારે નુકસાન પહોંચ્યું છે. સ્ટેડિયમના મીડિયા બોક્સના કાચ તેમજ એલિવેશન તૂટી પડ્યું છએ. તે ઉપરાંત મેદાનમાં પીચમા સેન્ટરમાં રાખવામાં આવતાં બ્લેક બોર્ડ તેમજ દર્શકોની બેઠક વ્યવસ્થા ઉપરના રૂફટોપ તૂટી જતાં આશરે બે કરોડ જેટલું નુકસાન થયું હોવાની વિગતો મળી છે.
ભારે પવનને કારણે ખંઢેરી સ્ટેડિયમમાં ભારે નુકસાન
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં આજે ભારે પવનને કારણે ખંઢેરી સ્ટેડિયમમાં ભારે નુકસાન પહોંચ્યું છે. સ્ટેડિયમમાં મીડિયા બોક્સ તેમજ દર્શકોની બેઠક વ્યવસ્થા ઉપરના રૂફટોપ તૂટતાં નુકસાન થયું છે. આ તમામનું તાત્કાલિક સમારકામ કરવું પડશે કારણ કે 2024માં અહીં ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં 25,000 સિટિંગની કેપેસિટી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ ત્રણ સ્ટેન્ડમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેટ હોસ્પિટાલિટી, પ્રેસિડન્ડ બોક્સ અને સેક્રેટરી બોક્સનો પણ સમાવેશ થાય છે.
બેઠક વ્યવસ્થા સહિતની જગ્યાએ મોટા પ્રમાણમાં નુકસાન
ખંઢેરી સ્ટેડિયમમાં મેદાનના મીડિયા બોક્સ તેમજ તેની સાથે પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા સહિતની જગ્યાએ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. સ્ટેડિયમમાં બનાવવામાં આવેલ મીડિયા બોક્સ જે લંડનના લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમની આબેહૂબ કોપી છે. મેચ દરમિયાન મીડિયા તેમજ કોમેનટ્રેટર પણ આ પેવેલિયન બોક્સમાં બેસતા હોય છે. આજે ક્રિકેટ સ્ટેડિયમમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.આગામી 2024માં રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટેસ્ટ મેચ શરૂ થતાં પહેલાં તેને ફરી પહેલાં જેવું બનાવી દેવું જરૂરી બની રહેશે.
આ પણ વાંચોઃરાજકોટ: વરસાદ સાથે પડ્યા કરા, હાઈવે પર જોવા મળ્યા મનાલી જેવાં દૃશ્યો