મધ્ય વેનેઝુએલામાં ભારે વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 40 લોકોના મોત
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વેનેઝુએલામાં સતત કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ભારે વરસાદને કારણે મધ્ય વેનેઝુએલામાં ભૂસ્ખલન થયું છે, જેમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને પૂરના કારણે 50 થી વધુ લોકો ગુમ થયા છે. ભારે વરસાદને કારણે નદીઓમાં ઉછાળો આવ્યો છે. નદીઓના જળસ્તર વધવાને કારણે આ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વેનેઝુએલાના વાઈસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝે આ જાણકારી આપી છે.
શનિવારની રાતના ભારે વરસારે મોટું નુકશાન પહોચાડ્યું
વાઇસ પ્રેસિડેન્ટ ડેલ્સી રોડ્રિગ્ઝે જણાવ્યું કે, રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભારે વરસાદને કારણે મધ્ય વેનેઝુએલામાં પાંચ નાની નદીઓમાં પૂર આવ્યું છે. રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે શનિવારની રાતના ભારે વરસાદે મોટું નુકશાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે સમુદાયના પીવાના પાણીની વ્યવસ્થાને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા પંપ પણ પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે. રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે સમગ્ર શહેરમાં કાદવ અને ખડકો હેઠળ ફસાયેલા લોકોને શોધવા માટે હજુ પણ પ્રયાસો ચાલુ છે.
અત્યાર સુધીમાં કુલ 40ના મોત
રોડ્રિગ્ઝે જણાવ્યું હતું કે વરસાદને કારણે ગઈકાલે સવારે અન્ય ત્રણ કેન્દ્રીય રાજ્યોમાં પણ ભૂસ્ખલન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઇ ન હતી. તાજેતરના અઠવાડિયામાં લા નિયા હવામાન પેટર્ન દ્વારા શરૂ થયેલા ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ઓછામાં ઓછા 40 પર પહોંચી ગયો છે.જયારે હજુ પણ 50થી વધુ લોકો ગુમ હોવાની માહિતી છે.