રાજ્યમાં વરસાદ સંતાકુકડી રમી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યાં વરસે છે ત્યાં મન મુકીને વરસે છે અને જ્યાં નથી પડતો ત્યાં કોરુધકોર રાખી જતો રહે છે.ત્યારે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે આગામી ચાર દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે.
4થી 7 તારીખ સુધીમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ પડી શકે છે. 4થી 7 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા સેવવામાં રહેલી છે. મધ્ય ગુજરાતમાં પણ એકંદરે સારા વરસાદની શક્યતા રહેલી છે.’
ગુજરાતના 143 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક જ દિવસની અંદર ગુજરાતના 143 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં ખાબક્યો છે. વાંસદામાં 5 ઈંચ વરસાદ જયારે ખંભાળીયામાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેરગામ, વિરપુર, જૂનાગઢ અને વંથલીમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. તો માળીયા, માંડવી, વાપી, નવસારી, તાલાળા અને ઉમરગામમાં પણ વરસાદે રમઝટ બોલાવી.
સૌથી વધુ વરસાદ બોરસદમાં થયો હતો
આણંદ જિલ્લાના બોરસદમાં શુક્રવારે આભ ફાટતાં બાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. બોરસદના સિસ્વા ગામે તારાજી સર્જાઈ છે. વરસાદે સમગ્ર આણંદ જિલ્લાને બાનમાં લીધું હતું. તેમાં પણ સૌથી વધુ વરસાદ જો ક્યાંય થયો હોય તો તે બોરસદ છે.