મેઘો મહેરબાન : ડીસા,પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં સોમવારે સવારથી જ ભારે ઉકળાટનું વાતાવરણ હતું. ત્યારે ત્રણ દિવસના વિરામ બાદ સવારે આકાશમાં અંધારું છવાયુ હતું. અને મેઘ ગર્જના સાથે ધીરે ધીરે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર, વડગામ અને દાંતીવાડા સહિતના તાલુકાઓમાં વરસાદનું ભારે જોર રહ્યું હતું. બપોરે 12:00 વાગ્યા સુધીમાં ભારે વરસાદથી ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા. ત્રણ દિવસના વિરામ બાદ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઉકળાટમાંથી મહદઅંશે લોકોને રાહત મળી હતી. જ્યારે ફરીથી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના ખેતરમાં પણ વાવણી બાદ વરસાદ થતાં ખેડૂતો હરખાયા છે. પાલનપુરથી અંબાજી જતા માર્ગ ઉપર આવેલા મુમનવાસ નજીક પાણીયારી આશ્રમ આસપાસના અરવલ્લી પર્વતના વિસ્તારમાં ધોધમાર વરસાદથી મોટા પ્રમાણમાં વરસાદીપાણી વહેતું થયું હતું. જેને લઇને પાણીયારી આશ્રમ પાસેના ધોધમાં પણ પુષ્કળ પાણી આવતા પ્રવાસીઓ માં આનંદની લાગણી હતી. જ્યારે ગોઢના જંગલ વિસ્તારમાં થયેલા પણ વરસાદથી ઉમરદસી નદીમાં પણ પાણી આવ્યું હતું. જિલ્લાના તાલુકાઓમાં બે કલાકમાં ધોધમાર વરસાદ થતાં દાંતીવાડા માં અઢી, લાખણીમાં સવા બે અને ડીસામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
દાંતીવાડા ડેમની સપાટી 555 ફૂટ
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલો દાંતીવાડા ડેમ આજુબાજુના અને ડીસા તેમજ પાટણ વિસ્તારના ખેડૂતો માટે જીવાદોરી સમાન ડેમ છે જેમાં હાલમાં 573 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની જળ સપાટી અત્યારે 555.85 ફૂટ થવા પામી છે. ડેમની કુલ ક્ષમતા 604 ફૂટ છે. જ્યારે હાલ ડેમમાં કુલ પાણીનો જથ્થો 10.67% જેટલો છે.