ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદે કહેર મચાવ્યો, અમરનાથ યાત્રા ફરી શરુ

દેશમાં ચોમાસાએ ધમરોળ્યો દેશને વરસાદે ભારતના અલગ-અલગ રાજ્યોમાં તબાહી મચાવી છે. દિલ્હી, હિમાચલ, પંજાબ સહિત દેશના ઉત્તરીય રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. 1982 પછી એક દિવસમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. સફદરગંજ વિસ્તારમાં સવારે 8:30 વાગ્યા સુધી 153 મીમી વરસાદ નોંધાયો હતો. 2003માં 24 કલાકમાં 133.4 મીમી વરસાદ નોંધાયો હતો. અને 2013માં દિલ્હીમાં 123.4 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, હિમાચલના લાહૌલ અને સ્પીતિમાં પૂર અને હિમસ્ખલનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના પુંછમાં પોશાના નદી પાર કરતી વખતે સેનાના બે જવાનો તણાઈ ગયા હતા.

શ્રીનગર અને જમ્મુ વચ્ચેના નેશનલ હાઈવે 44 પર વાહનવ્યવહાર બંધ કરાયો 

દિલ્હીમાં રવિવારે પણ ભારે વરસાદ ચાલુ છે. છેલ્લા 41 વર્ષનો રેકોર્ડ શનિવારે તૂટ્યો હતો. સવારે 8:30 થી સાંજના 5:30 વાગ્યા સુધીમાં 128 મીમી વરસાદ પડ્યો હતો. માત્ર સફદરજંગ વિસ્તારમાં 126.1 મીમી વરસાદ નોંધાયો છે. શ્રીનગર અને જમ્મુ વચ્ચેના નેશનલ હાઈવે 44 પર પંથયાલ ટનલના એન્ટ્રી પર રોડનો મોટો ભાગ ધોવાઈ જવાથી વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. શ્રીનગર ખીણને દેશ સાથે જોડતા ત્રણ માર્ગો NH-44, મુગલ રોડ અને લેહ-લદ્દાખ રોડ પર ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

અમરનાથ યાત્રા ફરી શરુ કરાઈ

કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા બે દિવસ માટે રોકી દેવામાં આવી હતી. તે રવિવારે ફરી શરૂ કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે 6 હજાર અમરનાથ યાત્રીઓ રામબનમાં અટવાયા હતા.

અરવિંદ કેજરીવાલે અધિકારીઓની રવિવારની રજા કરી રદ્દ

દિલ્હીમાં ભારે વરસાદને કારણે સમગ્ર તંત્ર દોડતુ થયુ છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તાઓથી લઈને અંડરપાસ સુધી પાણી ભરાઈ ગયા છે. કાદવે રસ્તાઓ બ્લોક કરી દીધા છે. લોકોની મુશ્કેલીઓ અને પરેશાનીઓ વધી છે. આ દરમિયાન, દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ મેનપાવર સાથે સ્થિતિ સંભાળવા માટે જમીન પર ઉતરી આવી છે. દિલ્હી સરકારે તમામ વિભાગોના અધિકારીઓની રવિવારની રજા રદ કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંત્રીઓ અને અધિકારીઓને ફિલ્ડમાં જવા સૂચના આપી છે.

ભારતના આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે: મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરન , ત્રિપુરા, ઓડિશા, ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર.

જોકે દેશના કેરળ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર

Back to top button