રાજકોટઃ વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, રસ્તાઓ પર તો જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે.
લલુડી હોકર વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેને કારણે લોકો હેરાશ-પરેશાન થઈ ગયા છે. મહત્વનું છે કે, વરસાદી પાણીને કારણે BRTS બસ સેવા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત કલેક્ટરે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.
આજી 2 ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલાયા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી 2 ડેમમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ છે. ત્યારે ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
ન્યારી 2 ડેમના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી 2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક ચાલુ છે. ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી અને તરધડી ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.