ઝારખંડ અને કેરળમાં ભારે વરસાદને કારણે જાનમાલને ભારે નુકસાન
- ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે 8ના મૃત્યુ
- કેરળમાં IMDએ ત્રણ જિલ્લામાં યલો એલર્ટ કર્યું જારી
ઝારખંડ અને કેરળમાં હાલ ધોધમાર વરસાદને કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ચુક્યું છે. ઝારખંડના કેટલાક ભાગોમાં શનિવાર(30 સપ્ટેમ્બર) સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેણે ઘણા લોકોના જીવ પણ લીધા હતા. ઝારખંડમાં અત્યારસુધીમાં વરસાદ અને વીજળી પડવાથી 8 લોકોના મૃત્યુ થયાં છે. તો કેરળમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વ્યાપક વરસાદ પડી રહ્યો છે અને અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા, પાણી ભરાઈ જવા અને કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થવાની અસંખ્ય ઘટનાઓ નોંધાઈ છે. જેને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળના ત્રણ જિલ્લાઓ- પથનમથિટ્ટા, અલાપ્પુઝા અને એર્નાકુલમમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઝારખંડના રાંચીમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ
ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે રાંચીમાં એક સહિત ઓછામાં ઓછા આઠ લોકોના મૃત્યુ થયા છે. રાંચીના લાલપુર વિસ્તારમાં રવિવારે એક 28 વર્ષીય વ્યક્તિ ઓવરફ્લો થતા નાળામાં પડી ગયો હતો. જેનો મૃતદેહ સોમવારે(2 ઓક્ટોબરે) સવારે ઘટના સ્થળેથી લગભગ 2.5 કિમી દૂર મળી આવ્યો હતો. જયારે જામતારા જિલ્લામાં એક મહિલા અને તેના ત્રણ બાળકોનું રવિવારે વીજળી પડવાથી મૃત્યુ થયું હતું તો બોકારો જિલ્લામાં માટીના મકાનની બનેલી દિવાલ ધરાશાયી થતાં એક બાળકનું મૃત્યુ થયું હતું અને પલામુ જિલ્લાના માયાપુર ગામમાં બે છોકરીઓ તળાવમાં ડૂબી ગઈ હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થતા હવામાન વિભાગે લોહરદાગા, ગુમલા અને સિમડેગાના ભાગો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે
રાંચી હવામાન કેન્દ્રના પ્રભારી, અભિષેક આનંદે જણાવ્યું હતું કે, લો-પ્રેશર સિસ્ટમના પ્રભાવ હેઠળ ઝારખંડમાં વ્યાપક વરસાદ ચાલુ રહ્યો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં 4 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે.
કેરળમાં IMDએ 5 ઓક્ટોબર સુધી વરસાદની કરી આગાહી
સોમવારે(2 ઓક્ટોબરે) પણ કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને સામાન્ય જનજીવનને અસર થઈ હતી. જેને પગલે ત્રણ જિલ્લાઓ જેવા કે પથનમથિટ્ટા, અલાપ્પુઝા અને એર્નાકુલમમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટએ 6 સેમી અને 11 સેમી વચ્ચે ભારે વરસાદની આગાહી કરે છે. તો IMDએ 5 ઓક્ટોબર સુધી વરસાદની પણ આગાહી કરી છે.
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડી રહેલા વ્યાપક વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા, પાણી ભરાઈ જવા અને કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થવાની અસંખ્ય ઘટનાઓ નોંધાઈ છે. જો કે, હજુ સુધી રાજ્યમાં ક્યાંય પણ મોટી જાનહાનિના અહેવાલ નથી. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) એ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળો પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ અને કોઝિકોડ જિલ્લામાં છે. 24 કલાકમાં વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં કુલ 26 વ્યક્તિઓને અસર થઈ છે.
આ પણ જાણો: ઝિમ્બાબ્વેમાં વિમાન દુર્ઘટના, ભારતીય ઉદ્યોગપતિ હરપાલ રંધાવા અને પુત્રનું નિધન