ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા
- વરસાદને પગલે જિલ્લામાં સિઝનનો 87.65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે
- કોર્પોરેશન વિસ્તારમાં જ 104 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા
- ગાંધીનગર સંત સરોવર ડેમના પાંચ દરવાજા ખોલીને 12662 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. જેમાં 150થી વધુ લોકોનું સ્થળાંતર કરાયુ છે. તેમજ દહેગામ-માણસા પંથકમાં 100 ટકાથી વધુ વરસાદ છે. જિલ્લામાં 87.65 ટકા વરસાદ ગાંધીનગર શહેર વિસ્તારમાં આવ્યો છે જેમાં અસંખ્ય ભૂવા પડયા, 104 જેટલાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
આ પણ વાંચો: ગુજરાત: મહેસાણામાં મેઘરાજાએ તોફાન મચાવ્યું, તંત્ર એલર્ટ મોડ પર
કોર્પોરેશન વિસ્તારમાં જ 104 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા
ગાંધીનગરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોવાની સ્થિતિ છે. કોર્પોરેશન વિસ્તારમાં જ 104 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે અસંખ્ય ભૂવા પડતાં વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી હતી. ગાંધીનગર તાલુકામાં ઈસનપુર મોટા ગામે તળાવ ઓવરફ્લો થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા 40 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતુ. ગાંધીનગર સંત સરોવર ડેમના પાંચ દરવાજા ખોલીને 12662 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સમગ્ર સ્થિતિનો ચિતાર લેવા માટે કલેક્ટર સંત સરોવર ડેમ પર પહોંચ્યા હતા.દહેગામ તાલુકામાં પડેલાં ભારે વરસાદને પગલે શહેરમાં ખજૂરી તલાવડી, મલાવ તળાવ અને ડોંગલ તલાવડીમાં પાણી ભરાઈ ગયા હતા.
વરસાદને પગલે જિલ્લામાં સિઝનનો 87.65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે
મલાવ તળાવ વિસ્તારમાં આવેલા 30થી 35 કાચા પાકા ઝૂંપડપટ્ટીના ઘરો પાણીમાં ગરકાવ ગયા હતા. તેમજ ખજૂરી તળાવના 15 જેટલા મકાનોમાં પાણી ભરાયા હતા. ખજૂરી તથા મલાવ તળાવડીમાં રહેતા 108 જેટલા લોકોનું સ્થળાતર કરાયું હતું. દહેગામ શહેરમાં રેલવે અંડરબ્રિજ પૂરો ભરાઈ જતા દહેગામથી ગાંધીનગરનો વાહનવ્યવહાર કપાઈ ગયો હતો. કડજોદરા, પાટો, જેસાનામુવાડા તથા ચાંદાના મુવાડા સહિતના વિસ્તારોમાં આખી રાત અંધારપટ છવાયો હતો. માણસા પંથકમાં પણ અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, ઈટાદરા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. બે દિવસથી પડી રહેલાં વરસાદને પગલે જિલ્લામાં સિઝનનો 87.65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં દહેગામમાં સૌથી વધુ 112 ટકા, માણસા તાલુકામાં 111 ટકા જ્યારે કલોલ તાલુકામાં 64.28 ટકા જ્યારે સૌથી ઓછો ગાંધીનગર તાલુકામાં 58.51 ટકા નોંધાયો છે.