અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદમાં ધમાકેદાર વરસાદ, શહેરભરમાં અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ સર્જાયો

રાજ્યમાં વરસાદની આગાહીને પગલે આજે અમદાવાદમાં સમી સાંજે ભારે વરસાદ ખબક્યો હતા. અમદાવાદમાં અતિ ભારે વરસાદને કારણે 5 અંડરબ્રિજ બંધ, શાહીબાગ, અખબારનગર, નિર્ણયનગર, મકરબા, પરિમલ ગાર્ડન અંડરપાસ બંધ કરાયા છે. તેમાં પણ શહેરના થલતેજ, જોધપુર અને શીલજ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો થલતેજ પાસે સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા જેને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો વરસાદી પાણી ભરાવાને કારણે એસજી હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

જોધપુર વિસ્તારમાં વરસાદી પાણીનુ સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અડધા વાહનો ડૂબી જાય તેટલા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તો, ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ શહેરના મોત ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં AMC તંત્રની પ્રી મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે.

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતભરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી

આગામી ત્રણ કલાકના વરસાદને લઈને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આજે સાંજે વરસેલા વરસાદમાં બોપલ, એસજી હાઇવે, સિંધુ ભવન રોડ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ગુરુકુળ, થલતેજ શીલજ સહીત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને પગલે અખબારનગર, મીઠાખળી, પરિમલ અને મકરબા LC 25 અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યા છે. સુધારા સર્કલ પાસે આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો ડ્રાઇવ-ઈન રોડ પાસે પણ અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. સાંજના સમયે જ વરસાદ થતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોકરી ધંધેથી ઘરે પરત ફરી રહેલા લોકોની સાથે સાથે ટ્યુશન ક્લાસીસ જઈ રહેલા કે કોચિંગ માંથી પરત ફરી રહેલા બાળકો પણ પાણીમાં ફસાયા હતા.

અમદાવાદ શહેરની સાથે જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. અમદાવાદ જિલ્લાના અનેક અનેક ગામોમાં ભારે વરસાદને કારણે જળભરાવની સ્થિતી ઊભી થઈ હતી. ભારે વરસાદને કારણે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા. તો બીજી બાજુ, ચાંગોદર અને બાવળા પાસે રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા. જેને લઈને નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદને પગલે જ્યાં એક તરફ મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થઈ હતી તો બીજી બાજુ પાણી ભરાવાને કારણે અનેક વાહનો પણ પાણીમાં ડૂબ્યાં હતા જેને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનો પાણીમાં ખોટવાયા હતા. જેને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ખાસ કરીને એસ.જી હાઇવે પર ભારે ટ્રાફિક જામ થતાં અનેક વાહનો અટવાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર; વિસાવદરમાં આભ ફાટ્યું, જામનગર-અમદાવાદમાં ધોધમાર વરસાદ

Back to top button