અમદાવાદમાં મેઘરાજાની રમઝટ; રોડ-રસ્તા બોટમાં ફેરવાતા ટ્રાફિકની લાગી મસમોટી લાઇનો
અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતના માથે એક-બે નહીં પરંતુ ચાર સિસ્ટમ સક્રિય થઇ છે. જે આગામી દિવસોમાં રાજ્યને ઘમરોળી શકે છે. જોકે, તેની શરૂઆત તો આજ સવારથી જ ઉત્તર ગુજરાતથી થઇ ગઇ છે. બનાસકાંઠાના પાલનપુર સહિતના વિસ્તારો બોટમાં ફેરવાઇ ગયા હતા, તો સાંજના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.
અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સમાચાર લખાય છે, તે દરમિયાન અમદાવાદના એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આ સાથે જ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તાઓ બોટમાં ફેરવાઇ ગયા હતા. વરસાદની સાથે-સાથે વાદળોની ભારે ગગડાટ અને વિજળીના ચમકારાઓએ અમદાવાદીઓમાં ડરનો માહોલ પણ ઉભો કર્યો છે.
સાંજના સમયે શહેરમાં ખાબકી રહેલા ધોધમાર વરસાદથી ઓફિસથી ઘરે જઇ રહેલા વાહનચાલકો ટ્રાફિકમાં ફસાઇ ગયા છે. ધોધમાર વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી પણ ભરાયા છે. આશ્રમ રોડ, ઠક્કરબાપા નગર, વિરાટનગર, બાપુનગર અને ઇન્ડિયા કોલોની તરફ તો રસ્તા પર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
જણાવી દઇએ કે, આજે છેલ્લા 12 કલાકમાં રાજ્યના 138 તાલુકામાં વરસાદ ખાબક્યો છે તો 36 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ધંધુકા, જામનગરમાં 4 ઇંચ વરસાદ, પાલનપુર-દાંતીવાડા 4, ડીસા અને જોટાણામાં 3 ઇંચ વરસાદ, વિજયનગર, લોધિકામાં 2.5 ઇંચ વરસાદ, રાણાવાવ, મહેસાણામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના ભાગોમાં અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. તે ઉપરાંત રાજ્યભરના માથે ચાર સિસ્ટમ સક્રિય થઇ હોવાના કારણે ગમે તે જગ્યાએ વરસાદી તૂટી પડવાની શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો- બનાસકાંઠા : સામાન્ય વરસાદમાં ડીસાની નવી ભીલડી પગાર કેન્દ્ર શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા