બનાસકાંઠા ભાભરમાં જોરદાર વરસાદ : માર્ગો ઉપર ઘૂંટણસમા પાણી,પાણી હજુ પણ ઓસર્યું નથી
પાલનપુર : બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાભર પંથકમાં મંગળવારે અસહ્ય ગરમી બાદ બપોરે એકાએક ધમાકેદાર વરસાદનો પ્રારંભ થયો હતો. અને સતત વરસી રહેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભાભરની મુખ્ય બજારો અને મહોલ્લાઓમાં પણ કેડસમા પાણી ભરાઈ ગયા હતા.જ્યારે કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસતા દુકાનના માલિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે ભાભરપાલિકા દ્વારા જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યાં પાણી નિકાલ માટેની ટીમ તૈનાત કરાઇ હતી. અને ચાલુ વરસાદમાં સતત કામગીરી ચાલુ રાખતા તંત્રએ પાણીનો નિકાલ કરવા મહેનત કરી હતી. જેને લઈને શહેરીજનોમાં સંતોષની લાગણી પ્રસરી હતી. જ્યારે પાલનપુરમાં સોમવારે સાંજે પડેલા વરસાદને લઈને બીજા દિવસે સવારે પણ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા રહ્યા હતા. અને હાઇવે ઉપર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સોમવારે દાંતીવાડામાં 4 ,પાલનપુરમાં 3,દાંતામાં દોઢ ઇંચ અને સુઇગામમાં 44 મિમી વરસાદ થયો હતો.જોકે આગામી બે દિવસ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં પવન અને વીજળીના ચમકારા સાથે વરસાદ થશે.જેને લઈને જિલ્લા વહીવટી તંત્રને તકેદારીના ભાગ રૂપે પુરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ રખાયું છે.
NAHIની ઓફિસ સામે જ પાણી ભરાયા
પાલનપુરમાં નેશનલ હાઇવેની ઓફિસની સામે નેશનલ હાઇવે પર જ રસ્તાની બન્ને બાજુએ પાણી ભરાઈ ગયા હતા. જેમાં સોમવારે સાંજે આ માર્ગ પર બિહારીબાગ નજીક હાઇવે પર વાહન ચાલકો અટવાયા હતા.અને મંગળવાર સુધી પાણી ભરાઈ રહેતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ ઢુંઢિયાવાડી પોલીસ ચોકી સામે ,અમદાવાદ હાઇવે અંડરપાસ ,બરફની ફેકટરી સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા.તેમજ સ્વસ્તિક હાઈસ્કૂલ નજીક ખાડામાં ગાડી ફસાઈ હતી.