છેલ્લા ઘણા સમયથી મેઘરાજા રાજ્યમાં કહેર વર્તાવી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બે દિવસ ગુજરાતમાં વરસાદી મહીલ યથાવત રહેશે. પાટણ, બનાસકાંઠા અને કચ્છમાં ભારેથી અતીભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આ બન્ને જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદને લીધે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી
મેઘરાજાની તોફાની બેટિંગના લીધે રાજ્યભરમાં તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા..નદીઓ તોફાની બની..તો ક્યાંક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું…વાત કરીએ ભરૂચના ગોલ્ડનબ્રિજની તો ભારે વરસાદને લીધે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. જેને લીધે આસપાસથી 53 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સાથે જ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે. જેને લીધે નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અમુક ગામ બેટમાં ફેરવાયા છે.
વલસાડમાં દરિયા કિનારે વસતા લોકોને સતર્ક રહેવાની સુચના
બનાસકાંઠાના અમીરગઢના બે ગામ તેમજ લાખણીનું નાણી ગામ બેટમાં ફેરવાયું.પાટણના સરસ્વતી અને મોયણી નદીકાંઠાના ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી. નદીમાં પાણીની આવક વધતા જૂનાગઢ, પાટણ અને સુરત સહિતના વિસ્તારોમાં એલર્ટના આદેશ આપવામાં આવ્યા.તો વલસાડમાં દરિયા કિનારે વસતા લોકોને સતર્ક રહેવા પણ કહેવામા આવ્યુ છે. તો કચ્છમાં પણ નીચાણવાળા 6 ગામોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે