રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં 13 જળાશય હાઈ એલર્ટ પર છે.
#WATCH | Gujarat: Low-lying areas in Kaliawadi, Navsari inundate increasingly amid incessant rainfall in the region pic.twitter.com/tcpWD9FJvz
— ANI (@ANI) July 14, 2022
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ
બીજી તરફ અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ, ઇસ્કોન, થલતેજ, ગોતા, સાયન્સસીટી, ચાંદલોડિયા, બોપલ, આંબલી, સેટેલાઈટ, વસ્ત્રાપુર, મેમનગર, આંબાવાડી, ઘાટલોડિયા, શીલજ, સરખેજ, આશ્રમ રોડ, સાબરમતી, એરપોર્ટ, શાહીબાગ, નવરંગપુરા, ઉસ્માનપુરા, ઈસનપુર, નરોડા, બાપુનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ વરસાદ નોધાયો હતો.
ભારે વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં અપાયું એલર્ટ
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહીકરી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે.