ટોપ ન્યૂઝનેશનલ

માયાનગરીમાં ભારે વરસાદ, નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા

Text To Speech

મુંબઈમાં રાત્રે ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મુંબઈ સહિત થાણે અને પાલઘર, રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત વસઈ-વિરારમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં ખાસ કરીને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ભારે વરસાદને કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે.

વસઈમાં નેશનલ હાઈવે પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર ભરાઈ ગયેલા પાણીને કારણે વાહન વ્યવહારને પણ ભારે અસર થઈ હોવાનું હાઈવે ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું. હાઈવે પર લગભગ એક ફૂટ જેટલા પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું. હજી સુધી હાઈવે પર ટ્રાફિક ખોરવાયો નથી. પરંતુ ટ્રાફિકની મુવમેન્ટ થોડી ધીમી પડી ગઈ છે.

ભારે વરસાદથી મુંબઈની લાઈફ લાઈનને અસર

ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનને અસર થઈ છે. સેન્ટ્રલ, હાર્બર સહિત ટ્રાન્સ હાર્બર લાઈનની ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનો પંદરથી વીસ મિનિટ મોડી દોડી રહી હોવાનું ગર્વમેન્ટ રેલવે કંટ્રોલે જણાવ્યું હતું. આ ઉપરાંત વરસાદી માહોલ સાથે વિઝિબ્લીટી પણ ઘટી છે. વિઝિબ્લીટી ઘટતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પશ્ચિમી ઉપનગરોથી મુંબઈ શહેરમાં આવતા પશ્ચિમ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિકની ભીડ જોવા મળી રહી છે.

24 કલાકમાં વરસાદથી કોઈ રાહત નહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં વરસાદથી રાહત મળવાની કોઈ આશા નથી. BMCના એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં ગુરુવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ અંધેરી સબવે જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારો સિવાય, ક્યાંય પણ મોટા પાયે પાણી ભરાયાના અહેવાલ નથી. પાણી ભરાવાને કારણે અંધેરી સબવે ટ્રાફિક માટે બંધ છે.

સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનનો પારો નીચે આવી જતાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે.ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

Back to top button