અમદાવાદમાં વરસાદ થતા જ તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થઇ ગઈ છે. અમદાવાદમાં ગત સાંજથી જ એટલે કે રવિવારે સાંજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. અનરાધાર વરસેલા વરસાદને લીધે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા. અનેક વિસ્તારોમાં લોકોના ઘરો, દુકાનો, વાહનો અને સોસાયટીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરમાં આવેલા કોમ્પ્લેક્સોની દુકાનોમાં પણ પાણી ઘુસી જતાં માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.
વરસાદ બંધ થયે કલાકો વીત્યા છતાં નથી ઓસર્યા પાણી
શહેરના પાલડી, વાસણા, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ભોંયરાની દુકાનો આખે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેના કારણે વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે.ગત રોજ પડેલા વરસાદને બંધ થયે કલાકો વિત્યાં છતાં હજુ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. કલાકો છતાં પાણી ઓછર્યા નથી જેને લીધે હજુ પણ લોકો અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી ભરાઈ જવાના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી
શહેરની નાની ચાલીમાં તેમજ ફ્લેટમાં નીચેના માળે રહેતાં લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરવખરીમાં પલંગ, સોફા, અનાજ, ફ્રીજ, વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓનું ભારે નુકસાન થયું છે. કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થતાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ તંત્રીની કામગીરી સામે આક્ષેપો કર્યાં હતાં.