બનાસકાંઠામાં ભારે વરસાદથી ચોતરફ પાણી જ પાણી
પાલનપુર: ડીસા સતત વરસી રહેલા ભારે વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચો તરફ પાણી ભરાયેલા જોવા મળે છે. જેમાં ધાનેરા રોડ પરના ગામડાઓની સ્થિતિ દયા જનક બની છે.
ડીસામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. અનેક મકાનો ધરાશાઈ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પડવાથી તેમજ ઈલેક્ટ્રીક શોક લાગવાથી 5 જેટલા પશુઓના મોત નીપજયા છે. જ્યારે ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખેતરો પણ પાણીમાં ડૂબી જતા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખાસ કરીને ડીસા થી ધાનેરા રોડ પરના ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. ડીસાના કંસારી શેરપુરા, લક્ષ્મીપુરા, પમરુ, યાવરપુરા સહિતના ગામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા આ ગામો બેટ સમાન બની ગયા છે. વર્ષ 2017 માં પણ ભયંકર પૂરના કારણે આ તમામ ગામોમાં મોટા પાયે ધોવાણ થયું હતું. અને મોટા પ્રમાણમાં પશુઓની જાનહાનિ તેમજ ખુવારી થઈ હતી. જ્યારે આજના વરસાદથી પણ જળબંબાકારની સ્થિતિ તથા ગ્રામજનોમાં એક પ્રકારનો છુપો ભય જોવા મળી રહ્યો છે.
શેરગઢમાં વીજળી પડતા ત્રણ ભેંસના મોત
લાખણી તાલુકાના શેરગઢ ગામમાં ખેડૂત ઠાકોર અજમલજી વનાજીના ખેતરમાં ઝાડ નીચે ત્રણ ભેંસો બાંધી હતી. જે ભારે વરસાદ દરમિયાન વીજળી પડતા આ ત્રણેય ભેંસોના મોત નીપજ્યા હતા. જેને લઈને ખેડૂતને પશુઓનું મોટું નુકસાન સહન કરવું પડયું છે.
ધાનેરાના માર્ગો પર પાણી ભરી વળ્યા
ધાનેરામાં પણ ભારે વરસાદને લઈને કૈલાશનગર વિસ્તાર પાણીથી તરબોળ બન્યો હતો. શહેરના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ડીસા GIDC માં પાણી ભરાતા વાહનો બંધ પડયા
ડીસા GIDC વિસ્તારના માર્ગો પર પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. જ્યાં GIDC માં ફેક્ટરીઓમાં કામ માટે આવતા શ્રમિકોને તેમજ ફેક્ટરીના માલિકોને પણ હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. જ્યારે વાહન લઈને જતા અનેક વાહનચાલકોના વાહનો પણ વરસાદના પાણીમાં બંધ પડી જતા તેમને ધક્કા મારીને બહાર કાઢવા પડયા હતા.
NDRF ની ટીમ રખાઈ સ્ટેન્ડ બાય
બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા મથક પાલનપુર ખાતે NDRFની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેથી આકસ્મિક કોઈપણ ઘટનામાં મદદ કરી શકાય. જ્યારે તંત્ર દ્વારા પણ વરસાદની પરિસ્થિતિમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બીજી તરફ રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અમીરગઢ પાસેથી પસાર થતી બનાસ નદીમાં નોંધપાત્ર પાણી આવ્યું છે. જે દાંતીવાડા ડેમમાં આવી રહ્યું છે . જેના કારણે દાંતીવાડા જળાશયની પાણીની સપાટીમાં વધારો થવાની સંભાવના છે.