ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
પાલનપુર: બનાસકાંઠામાં ગત સપ્તાહ ભારે વરસાદ પડ્યો હતો. ત્યાર પછી શ્રાવણ માસના સરવરિયા કહેવાય તેમ પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી રહી હતી. ત્યાં જ હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મંગળવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની થવાની સંભાવના છે. એટલે કે આવતીકાલથી બે દિવસ તારીખ 23 અને 24 ઓગસ્ટના રોજ ફરીથી વરસાદનો જોર વધતુ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની થવાની આગાહી કરવામાં આવી છે.
જ્યારે આગામી તારીખ 27 થી 30 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડશે. બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાં ભારે વરસાદ થયો હતો. જેમાં થરાદ, ડીસા અને દિયોદર તાલુકાના ઘણા ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. કેટલાક ગામોમાં વરસાદ બંધ થયાના ચારથી પાંચ દિવસ બાદ પણ હજુ સુધી લોકોના ઘરોમાં અને ખેતરોમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી. જેને લઇને રહીશોને ખેડૂતો હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે અતિવારે વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એલર્ટ મોડ ઉપર છે. અને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.