નેશનલ

ઉત્તરાખંડના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી; 33 રાજ્ય ધોરીમાર્ગો સહિત 449 રોડ બંધ

દેહરાદૂન: બુધવારે ઉત્તરાખંડના સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અન્ય 6 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે દેહરાદૂન, ટિહરી, પૌરી, હરિદ્વાર, નૈનીતાલ, ચંપાવત અને ઉધમ સિંહ નગરમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ અને અલમોડામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

દેહરાદૂન હવામાન કેન્દ્રના ડાયરેક્ટર બિક્રમ સિંહે જણાવ્યું હતું કે, જે 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.જે 6 જિલ્લામાં યલો એલર્ટ રાખવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય જોરદાર વરસાદ જોવા મળશે.

તેમણે કહ્યું કે, “તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ભારે ગાજવીજની સંભાવના છે, કેટલાક સ્થળોએ હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.” આથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. નદી-નાળાની નજીક રહેતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને વરસાદી તોફાનો વધવાને કારણે રસ્તાઓ સતત બંધ થઈ રહ્યા છે.

પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર દીપક યાદવે જણાવ્યું કે, “હજુ સુધી પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને PMGSYના લગભગ 558 રસ્તાઓ બંધ હતા. જેમાંથી આજે સવારે 9 વાગ્યા સુધી 109 રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. 449 રસ્તાઓ હજુ પણ બંધ છે, તેને ખોલવાની પ્રક્રિયા ચાલી રહી છે.

તેમણે જણાવ્યું કે રસ્તાઓ ખોલવાના કામ માટે 343 JCB અને પોકલેન્ડ મશીનો તૈનાત કરવામાં આવ્યા છે. અહીં સરકારે લોકોને ભારે વરસાદ દરમિયાન પહાડો પર ન જવાની સલાહ આપી છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે લોકોની મદદ માટે સરકારે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે, વરસાદની ચેતવણી અમારા માટે પણ એક પડકાર છે, તેથી અમે તમામ વિભાગોને એલર્ટ પર રાખ્યા છે. મોટાભાગના માર્ગો ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, “કેદારનાથ યાત્રા મુશ્કેલ છે, તેથી તીર્થયાત્રીઓને જ્યાં સુધી હવામાન સારું ન થાય ત્યાં સુધી તેમની યાત્રા રોકવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.”

આ પણ વાંચો-દિલ્હી: યમુનાએ ધારણ કર્યું રોદ્ર સ્વરૂપ; પાણીના સ્તરે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડ

Back to top button