રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર
આગામી બે – ત્રણ દિવસથી અમદાવાદ, કચ્છ, પાટણ અને રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અબડાસાની જો વાત કરવામાં આવે તો બે કલાકમાં જ ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી 24 કલાક ભારે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જામનગર, કચ્છ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.
રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર
ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે કચ્છ, જામનગર અને દ્વારકા રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણામાં ઓરેન્જ એલર્ટ તેમજ અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે અત્યાર સુધી સીઝનલ વરસાદમાં 49% જેટલો વરસાદ પડ્યો છે.કચ્છના અબડાસાના મોટીબેરમાં ગઈકાલે સાંજના ભાગમાં અચાનક મોસમમાં પલટો આવતા મોસમ ભારે તોફાની બન્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.આ સાથે જ અરવલ્લીના ધનસુરામાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત ભિલોડા અને મોડાસામાં પણ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. જિલ્લાના માણાવદર અને માળિયા હાટીનામાં વરસાદ વરસ્યો છે. માણાવદરમાં બે કલાકમાં એક ઇંચ જ્યારે માળિયા હાટીનામાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્ચો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં પાકને અનુકૂળ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહીત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અને અગામી બે દિવસ પણ રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.