ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં રવિવારે બપોર બાદ ભારે વરસાદ તૂટી પડ્યોઃ જાણો રાજ્યમાં બીજે ક્યાં પડ્યો વરસાદ?

ગાંધીનગર, 29 સપ્ટેમ્બર, 2024: રવિવારે બપોર બાદ વડોદરા સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયાના અહેવાલ છે. હવામાન ખાતા દ્વારા જારી સેટેલાઈટ ઈમેજ પરથી પણ જોઈ શકાય છે કે, ગુજરાતમાં ઘણા ખરા વિસ્તારોમાં ઘેરા વાદળો છવાયેલા છે અને અનેક જગ્યાએ વરસાદ તૂટી પડ્યો છે. રવિવારે ગુજરાતના વડોદરામાં ભારે વરસાદ થયો હતો. બપોરના 1 વાગ્યાની આસપાસ શરૂ થયેલા વરસાદને કારણે સ્થિતિ ફરી વણસી હતી. લગભગ દોઢ કલાકના વરસાદ બાદ રાવપુરા, સુભાનપુરા, આજવા રોડ, અલકાપુરી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત બોટાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદ તૂટી પડ્યો છે.

દરમિયાન, કડાણા ડેમમાં પાણીની વધારે આવક થવાને પગલે આજે 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને પગલે મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. સત્તાવાળાઓએ મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લા ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાના કુલ 235 ગામોમાં એલર્ટ જાહેર કર્યું હતું.

29 સપ્ટેમ્બરને રવિવારે વડોદરા રેલવે સ્ટેશન સ્થિત અલકાપુરી અંડરપાસ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે સિટી બસ સેવાની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી. નવરાત્રિ માટે શહેરમાં તૈયાર કરાયેલા અનેક ગરબા મેદાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુજરાતમાં 3જી ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.

મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ આજે દિવસભર વાદળ છવાયેલાં રહ્યાં હતાં અને અનેક જગ્યાએથી છૂટાછવાયાં ઝાપટાંના અહેવાલ મળી રહ્યા છે. વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થયો છે જેના કારણે ફરી એક વખત ચિંતા સર્જાઈ છે. વરસાદ બાદ આજવા સરોવરનું લેવલ 212.85 મીટરે પહોંચ્યું હતું. વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે પરંતુ રવિવારે બપોરે પડેલા મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી ગઈ હતી.

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન પવનની ઝડપ 40-60 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન 15 મીમી/કલાક સુધી નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ પાણીની આવક થતાં કડાણા ડેમના દરવાજા ખોલાયા, 235 ગામોને એલર્ટ

Back to top button