અરુણાચલ પ્રદેશમાં ભારે ભૂસ્ખલન બાદ હાઈવે ધોવાયો, ચીનને અડીને આવેલા વિસ્તાર સાથેનો સંપર્ક તૂટ્યો
ઈટાનગર (અરુણાચલ પ્રદેશ), 25 એપ્રિલ: અરુણાચલ પ્રદેશના દિબાંગ જિલ્લાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ-33નો એક ભાગ ભારે વરસાદ બાદ ધોવાઈ ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનના કારણે હાઇવેનો આ ભાગ ધોવાઇને નષ્ટ થઈ ગયો છે. દિબાંગ વેલી ચીનને અડીને આવેલો વિસ્તાર છે અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સત્તાવાળાઓનું કહેવું છે કે હાઈવેનો એક ભાગ ઢસી પડતા ભારે નુકસાન થયું છે અને તેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. હાલમાં નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે એક ટીમ મોકલી છે જેથી હાઈવેનું તાત્કાલિક સમારકામ થઈ શકે.
હાઈવે જિલ્લાના લોકો અને સેના માટે જીવાદોરી સમાન
અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલન બાદ તમામ જરૂરી વસ્તુઓ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. ખાદ્યપદાર્થો સહિતની તમામ વસ્તુઓ સ્થળ પર સપ્લાય કરવામાં આવી રહી છે અને કોઈ પણ વસ્તુની કમી નથી. વાસ્તવમાં આ હાઇવેનું ડિસ્કનેક્શન ચિંતાજનક છે કારણ કે તે જિલ્લાના લોકો અને સેના માટે જીવાદોરી સમાન છે. ચીનની સરહદ સુધી પહોંચવા માટે પણ સેના આ હાઈવેનો ઉપયોગ કરે છે. હાઈવેને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને આગામી ત્રણ દિવસ સુધી આ જગ્યાએથી પસાર ન થવાની સલાહ આપી છે. સત્તાવાળાઓનું કહેવું છે કે હાઈવે રિપેર કરવામાં થોડા દિવસો લાગશે.
રાજ્યના CMએ કુદરતી આફત બાદ ચિંતા વ્યક્ત કરી
Disturbed to learn the inconvenience being caused to commuters due to the extensive damage to the highway between Hunli and Anini. Instructions have been issued to restore the connectivity at the earliest as this road connects Dibang Valley to the rest of the country.@PMOIndia https://t.co/xwiOu7yrJB
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (Modi Ka Parivar) (@PemaKhanduBJP) April 25, 2024
આ કુદરતી આફતને લઈને અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘હું જાણીને ચિંતિત છું કે હુનલી અને અનિનીને જોડતા હાઈવેને મોટું નુકસાન થયું છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. દિબાંગ ખીણને બાકીના ભારત સાથે જોડવા માટે ટૂંક સમયમાં કામ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે સત્તાધીશોએ કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશ રાજ્યનો મોટો હિસ્સો ચીનને અડીને આવેલો છે. એટલું જ નહીં, ચીન અરુણાચલ પ્રદેશના એક ભાગ પર દાવો કરે છે, જેના કારણે તે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ છે.
આ પણ વાંચો: અરુણાચલ મુદ્દે ચીનની હરકત પર ભારતનો જડબાતોડ જવાબ, કહ્યું- ‘વાસ્તવિકતા બદલાશે નહીં’