રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. માર્ચમાં ખાબકેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી હતી ત્યારે હવે એપ્રિલમા પણ કમોસમી વરસાદથી રાહત મળશે નહીં. આજે એક વાર કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન માવઠાની આગાહી વ્યક્ત કરી છે. જોકે, પાછલા માવઠા કરતા આ માવઠાનું જોર ઓછું છે.
આગામી 48 કલાક દરમિયાન માવઠાની શક્યતા
હવામાન વિભાગે તાજેતરમાં કરેલી આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના ઉત્તર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.હવામાન વિભાગે તારીખ 5 એપ્રિલના સવારના 8.30થી 7 એપ્રિલના સવારના 8.30 દરમિયાન માવઠાની અસર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અને આ બાદ વરસાદની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
રાજ્યના આ ભાગોમાં થશે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર ભાગમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. અને અન્ય જિલ્લામાં હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
6,7,અને 8 તારીખની આગાહી
6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની શક્યતા છે. જ્યારે 7 અને 8 તારીખે હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ વરસી રહ્યો છે . માવઠાને કારણે વાતાવરણમાં ભેજ વધવાથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં હડતાળના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો