ટોપ ન્યૂઝનેશનલ

ફેબ્રુઆરીમાં ગરમીએ તોડયો 100 વર્ષનો રેકોર્ડ, જાણો હવામાન વિભાગે માર્ચ માટે શું કરી આગાહી ?

Text To Speech

દેશભરમાં ઉનાળાની ઋતુ હજી બરાબર જામી નથી ત્યારે ગરમીએ દેશમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. દેશમાં 1877 પછી પહેલી વખત ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 29.54 ડિગ્રી સે. નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ફેબ્રુઆરીમાં દેશની સ્થિતિ અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર, ફેબ્રુઆરીમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઊંચું તાપમાન નોંધાયું હતું જ્યારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભાગોમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.

જો તાપમાનની વાત કરવામાં આવે તો દેશમાં 24 ડિગ્રીથી 31 ડિગ્રી વચ્ચે રહેતું હોય છે. જેમાં આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સાથે જ હવામાન વિભાગના હાઈડ્રોમેટ અને એગ્રોમેટ સલાહકાર સેવાના વડા એસસી ભાવને જણાવ્યું હતું કે, માર્ચમાં હીટ વેવની સંભાવના ઓછી છે, પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલ અને મેમાં કાળઝાળ ગરમી અનુભવાઈ શકે છે. તેમજ દેશભરામાં આ વર્ષે પણ ઉનાળામાં તાપમાન સાથે હિટવેવ જોવા મળશે. જોકે લોકોને સાવચેતી અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ભારતના અનેક વિસ્તારોમાં માર્ચમાં તાપમાન બે ડિગ્રી સુધી વધવાની સંભાવના છે. સ્કાયમેટ વેટરના જીપી શર્માએ જણાવ્યું કે, મેદાની વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે. તેની અસર દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને મધ્ય પ્રદેશમાં પણ પડશે. ભારતીય હવામાન વિભાગ મુજબ વર્ષ 2022 દેશનું પાંચમું સૌથી ગરમ વર્ષ હતું. આ વર્ષમાં 66 દિવસ લૂમાં પસાર થયા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મુજબ વર્ષ 2015 થી 2020 વચ્ચે લૂથી અસરગ્રસ્ત રાજ્યોની સંખ્યા બમણાથી વધુ થઈ છે.

આ પણ વાંચો : સાવધાન..સાવધાન..સાવધાન..! તાપમાન વધતા કેન્દ્રએ રાજ્યોને કર્યા એલર્ટ

આ દરમિયાન દેશમાં બદલાતા વાતાવરણના કારણે જરૂરિયાત પૂરતો વરસાદ પણ નથી થઈ રહ્યો. એક રિપોર્ટ મુજબ વર્ષ 2023ના પ્રારંભિક બે મહિનામાં દેશમાં અંદાજે 85 ટકા ભાગ પર વરસાદનું એક ટીપું પણ નથી પડયું. દેશમાં કુલ 264 જિલ્લામાં બે મહિનામાં વરસાદ નથી પડયો, જેમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. જે જોતાં આગામી ઉનાળામાં પાણીની તંગી પણ જોવા મળી શકે છે.

Back to top button