કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી બ્રિજ તૂટવાની ઘટનાઃ સગર્ભાનું મોત જોઈને હ્રદય હચમચી ગયું, નજરે જોનારાઓએ જણાવ્યો દુર્ઘટના બાદનો ચિતાર

મોરબીઃ મોરબીમાં રવિવારે સર્જાયેલી દુર્ઘટનાને પગલે અનેક હતભાગીઓએ જીવ ગુમાવ્યા. એક આંકડા મુજબ લગભગ 20થી વધુ બાળકો સહિત 141 લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત સુધી મચ્છુ નદીમાંથી ડેડબોડી બહાર કાઢવાની ચાલુ હતી. રેસ્ક્યૂ ઓપરેશનમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો પણ જોડાયા હતા. બીજી તરફ, પ્રત્યક્ષદર્શીઓએ દુર્ઘટનાના ડરામણા દ્રશ્યો વર્ણવ્યાં છે.

MORBI BRIDGE COLLAPSE
પ્રત્યક્ષદર્શીઓએ દુર્ઘટનાના ડરામણા દ્રશ્યો વર્ણવ્યાં છે.

સગર્ભા મહિલાનું મૃત્યુ જોઈને હૃદય હચમચી ગયું
દુર્ઘટનાના એક સાક્ષીએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, “હું દર રવિવારે ત્યાં ચા વેચું છું. લોકો કેબલથી લટકતા હતા અને પછી એક ઝટકે નીચે પડી ગયા હતા. હું આખી રાત સૂતો નહોતો અને લોકોની મદદ કરતો રહ્યો. 7-8 મહિનાની સગર્ભા સ્ત્રીનું મૃત્યુ થયું તે જોવું હૃદયને હચમચાવી નાખતું હતું. મારા જીવનમાં ક્યારેય આવું કંઈ જોયું નથી.”

મારા માટે આ દુર્ઘટના શબ્દોમાં વર્ણવી ઘણી જ અઘરી છે
હસીના નામની એક મહિલા જેણે પોતાની નજર સામે આખી દુર્ઘટના જોઈ તેણે કહ્યું કે, “હું આને શબ્દોમાં વર્ણવી નહીં શકું. ત્યાં બાળકો પણ હતા. મેં મારા પોતાના પરિવારના સભ્યો તરીકે લોકોને મદદ કરી. મેં મૃતદેહને હોસ્પિટલ લઈ જવા માટે મારું વાહન પણ આપ્યું હતું. મેં આવું ક્યારેય જોયું નથી. ક્યારેય નહીં.”

MORBI BRIDGE COLLAPSE
મોડી રાત સુધી મચ્છુ નદીમાંથી ડેડબોડી બહાર કાઢવાની ચાલુ હતી. રેસ્ક્યૂ ઓપરેશનમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો પણ જોડાયા હતા.

બચાવ કાર્ય માટે ડ્રોનનો ઉપયોગ
સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે, ગુજરાતના મોરબીમાં તૈનાત ભારતીય સેનાની ટીમોએ દુર્ઘટનામાં બચી ગયેલા લોકો માટે શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણેય સંરક્ષણ સેવાઓએ સર્ચ ઓપરેશન માટે તેમની ટીમો તૈનાત કરી છે.

મોરબીમાં બચાવ કામગીરીમાં મદદ માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર બનેલો એક કેબલ બ્રિજ તૂટી ગયો હતો. જે સમયે આ દુર્ઘટના ઘટી, તે સમયે લગભગ 400 લોકો પુલ પર હતા. આ પુલ 26 ઓક્ટોબરે જ બેસતા વર્ષના દિવસ પર જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

Back to top button