કેસની વિગતો સાંભળી ગુજરાત હાઇકોર્ટનાં ન્યાયાધીશ પણ બલી ઉઠ્યાં – “આ તો હદ છે હવે”
લાખો લોકો જે નાની બાબતે હેરાન પરેસાન થઇ રહ્યા છે તેમા ની એક બાબત ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી, અમ તો સામાન્ય રીતે આવી બાબતો HC સુધી પહોંચતી જ નથી અને આ તો નાની બાબત છે કહીને કોઇ સંસ્થાન આ બાબત પર ધ્યાન સુધા અપતા નથી અને ગ્રહાકો આ કહેવાતી નાની બાબતનાં કારણે પારાવાર મુશ્કેલી ભોગવતા હોય છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટનાં આ અવલોકનથી હજારો નહીં પણ લાખો લોકોને રાહત મળશે.
વાત જાણે એમ છે કે, ગુજરાત હાઈકોર્ટે એક ખેડૂતને જમીનના સોદામાં માત્ર 31 પૈસા બાકી લેણા રહ્યા પછી તેને કોઈ લેણું રહ્યું નથી એટલે કે NOC એટલે કે નો ડ્યુ સર્ટિફિકેટ ન આપવા બદલ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)ને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે આ હેરાનગતિ સિવાય બીજું કંઈ નથી. જસ્ટિસ ભાર્ગવ કારિયાએ એક અરજી પર સુનાવણી કરતા બેંક પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
ન્યાયાધીશે કહ્યું “હદ થઇ ગઇ છે હવે તો, રાષ્ટ્રીયકૃત બેંક કહે છે કે કોઈ નો-ડ્યુ પ્રમાણપત્ર જારી કરી શકાતું નથી કારણ કે 31 પૈસા બાકી છે,” સમગ્ર મામલો જોવામાં આવે તો અરજદાર રાકેશ વર્મા અને મનોજ વર્માએ વર્ષ 2020માં અમદાવાદ શહેર નજીક ખોરજા ગામમાં ખેડૂત શામજીભાઈ અને તેમના પરિવાર પાસેથી એક પ્લોટ ખરીદ્યો હતો. શામજીભાઈએ બેંકમાંથી લીધેલ તમામ પૈસા ચૂકવી દીધા હતા. પરંતુ કોઇ કારણસર માત્ર અને માત્ર 31 પૈસા ચૂકવવાનાં બાકી રહી ગયા હતા. એસબીઆઈ પાસેથી લીધેલી પાક લોનની સંપૂર્ણ ચૂકવણી કરી ખેડૂતે, અરજદારને રૂ.3 લાખમાં જમીન વેચી દીધી હતી. અરજદાર જ્યારે જમીન પોતાના નામે કરવાની કાર્યવાહી કરી ત્યારે જમીન પર લોન બોલતી હોવાનાં કારણે અરજદાર (જમીનના નવા માલિક) રેવન્યુ રેકોર્ડમાં પોતાનું નામ નોંધી શક્યા ન હતા. અનેક મથામણો છતા પ્રશ્ન ન ઉકેલાતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો.
બાદમાં જમીનના નવા માલિક વર્માએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ કારિયાએ બેંકને નો-ડ્યુ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવા કહ્યું હતું. આ અંગે SBIના વકીલ આનંદ ગોગિયાએ જણાવ્યું હતું કે, “આ શક્ય છે કારણ કે ખેડૂત પાસે હજુ 31 પૈસા લેવાનાં બાકી છે અને આના કારણે સિસ્ટમ નો-ડ્યુ ઇશ્યુ કરવા દેતી નથી, આ પ્રણાલીગત બાબત છે.
આના પર જસ્ટિસ કારિયાએ કહ્યું કે આ કેસમાં 50 પૈસાથી ઓછી રકમની અવગણના કરીને ઉપરોક્ત પ્રમાણપત્ર જારી કરવું જોઈએ કારણ કે ખેડૂતે આખી લોન ચૂકવી દીધી છે. તે જ સમયે, એક કર્મચારી ગોગિયાએ કહ્યું કે મેનેજરે પ્રમાણપત્ર રજૂ ન કરવા માટે મૌખિક આદેશો આપ્યા છે, ત્યારે ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરી અને એડવોકેટને મેનેજરને કોર્ટમાં હાજર રહેવા માટે કહેવાનો નિર્દેશ કર્યો.
જસ્ટિસ કારિયાએ કહ્યું કે બેંકિંગ રેગ્યુલેટરી કાયદો કહે છે કે 50 પૈસાથી ઓછી રકમની ગણતરી ન કરવી જોઈએ, તો તમે લોકોને શા માટે હેરાન કરી રહ્યા છો? ન્યાયાધીશે કહ્યું કે આ મેનેજર દ્વારા ઉત્પીડન સિવાય બીજું કંઈ નથી.