સુપ્રીમ કોર્ટે ICICI બેંકના ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની લોન ફ્રોડ કેસમાં સુનાવણી 3 જાન્યુઆરી, 2024 સુધી મુલતવી રાખી છે. દંપતીને જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી CBIની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે કોચર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈની રજૂઆતને ધ્યાને લીધી હતી કે તેઓ કેસની દલીલ કરવા માટે તેમની સમક્ષ રૂબરૂ હાજર રહેવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે કેટલીક કનેક્ટિવિટી સમસ્યાઓ હતી અને સુનાવણી સ્થગિત કરવાની માંગ કરી હતી. સીબીઆઈ તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજુએ સુનાવણી મુલતવી રાખવાની દેસાઈની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે સુનાવણી બુધવારે થવી જોઈએ અને તેને લાંબા સમય સુધી મુલતવી રાખવી જોઈએ નહીં.
બેન્ચે કેસની સુનાવણી માટે આવતા વર્ષે 3 જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી. ખંડપીઠે 16 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોચર બંધુઓને આપવામાં આવેલા વચગાળાના જામીનને પડકારતી તેની અરજી પર સીબીઆઈનો જવાબ માંગ્યો હતો.