આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો શુભારંભ, 0-5 વર્ષ વય સુધીના 51 હજાર બાળકોનું કરાશે ટીકાકરણ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ
- 5 વર્ષ વય સુધીના 51 હજાર બાળકોનું ટીકાકરણ કરાશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા મંત્રીએ રાજ્યની સગર્ભાઓ તેમજ ૦-૫ વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મહત્વનું છે કે, હાલ અનેક રોગો ફાટી નીકળતા જોા મળી રહ્યા છે. જેને ધ્યાને રાખી મિશન ઈન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ મિશનનું શુભારંભ કરવામાં આવ્યું છે. સાથે જ લોકોને રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી રસીકરણ અચૂકપણે કરાવવા મંત્રીએ અપીલ કરી છે. આ રસીકરણ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષ સુધીની વયના અંદાજીત 50,900 બાળકો અને 7,278 સગર્ભાઓનુ રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 7 થી 12 ઓગષ્ટ, 11 થી 16 સપ્ટેમ્બર અને 9 થી 14 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.
કયા રોગની રસી અપાય છે
આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતાં ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતાં (ન્યૂમોનિયા અને મગજના તાવ) જેવા રોગ, ન્યૂમોકોકલથી થતાં ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા 11 રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે.
અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં સફળ રસીકરણ કરાયું
અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં 9.16 લાખ નિયત વયજૂથના બાળકો અને 2.14 સગર્ભાઓનુ સફળ રસીકરણ કરાયું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંતભાઇ પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાધેલા, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :આખરે તંત્ર જાગ્યુ: આરોગ્ય મંત્રીએ અમદાવાદમાં વરસાદના પાણીના નિકાલ માટે બેઠક બોલાવી